લખનૌઃ શાહજહાંપુર જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચેની અથડામણમાં પાંચ લોકોના મોત થયા હતા અને એટલી જ સંખ્યામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે દુર્ઘટના રાત્રે બરેલી-ઈટાવા રોડ પર બરખેડા જયપાલ ઈન્ટરસેક્શન પાસે સર્જાઈ હતી જ્યારે જિલ્લાના કાંત ટાઉનનો રહેવાસી રિયાજુલ અલી તેના પરિવાર સાથે કારમાં દિલ્હી જઈ રહ્યો હતો ત્યારે તેમની કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના પગલે કારમાં સવાર લોકોની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
પોલીસ અધિક્ષક રાજેશ એસએ જણાવ્યું કે, અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, તેમજ કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા અને મદનાપુરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ પાંચ લોકોને મૃત જાહેર કર્યા અને અન્ય પાંચ ઘાયલોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં રિયાજુલ (ઉ.વ. 45), આમના (ઉ.વ 42), ગુડિયા (ઉ.વ. 9), તમન્ના (ઉ.વ. 32) અને નૂર (ઉ.વ.6)ના મૃત્યુ થયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ અને પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ રાત્રે મેડિકલ કોલેજ પહોંચ્યા હતા અને ઘાયલોની ખબર-અંતર પૂછ્યાં હતા.
પોલીસ અધિક્ષકે કહ્યું કે ટ્રકને જપ્ત કરી લેવામાં આવ્યો છે અને તેના ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મૃતક રિયાજુલના કાકા શમશેર અલીએ જણાવ્યું કે રિયાજુલ દિલ્હીમાં રહેતા કપડાનો વ્યવસાય કરતો હતો અને બે દિવસ પહેલા પરિવાર સાથે લગ્ન સમારોહમાં હાજરી આપવા આવ્યો હતો.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.