GCCI પ્રેરિત ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ
[અલકેશ પટેલ] ગાંધીનગર, 16 એપ્રિલ, 2026 – GCCIએ હંમેશા ઉદ્યોગ ક્ષેત્ર અને સરકાર વચ્ચે સેતુની ભૂમિકા ભજવી છે. વાયબ્રન્ટ સમિટમાં પણ ચેમ્બરે હંમેશા ખભેખભા મિલાવીને સહયોગ આપ્યો છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અહીં કહ્યું હતું. જીસીસીઆઈ પ્રેરિત ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો (GATE)ની બીજી આવૃત્તિના વિધિવત્ પ્રારંભ પ્રસંગે તેઓ બોલી રહ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર તથા ઈન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રેન્યોરશીપના સમન્વયથી ડેવલપમેન્ટનું રોલ મોડલ બન્યું છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગાંધીનગરના એક્ઝીબિશન સેન્ટર ખાતે 18000 ચોરસ મિટરની વિશાળ જગ્યામાં 16થી વધુ વિવિધ સેક્ટર્સના સ્ટોલ્સ સાથેના એન્યુઅલ ટ્રેડ એક્સપોમાં ઓટોમોબાઈલ, રિન્યુએબલ એનર્જી, આઈ.ટી., ફાર્માસ્યુટીકલ્સ અને ટેક્સટાઈલ્સ તથા એ.આઈ. અને સાઈબર સિક્યુરિટી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ એક્સ્પો-2026 તા.16થી 18 એપ્રિલ દરમિયાન યોજાઈ રહ્યો છે.
ચેમ્બરની ભૂમિકાની પ્રશંસા
ગુજરાતની પ્રગતિમાં ચેમ્બરની ભૂમિકાનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે, વાયબ્રન્ટ સમિટના આયોજનથી લઈને અમલ સુધી ચેમ્બર સરકારની સાથે રહે છે. ઉદ્યોગ જગતને સરકારની નીતિઓ વિશે જાગૃત કરવા સહિત વિવિધ બાબતોમાં અવારનવાર ચેમ્બર દ્વારા પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે. રાજ્યમાં નીતિ નિર્ધારણ માટે ગ્રાઉન્ડ રિપોર્ટ અને ફીડબૅક આપવાનું ખૂબ જ મહત્ત્વનું કામ ચેમ્બરે કર્યું છે તેમ મુખ્યમંત્રીએ જીસીસીઆઈની પ્રશંસા કરતા કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે વાસ્તવમાં ચેમ્બર ઉદ્યોગક્ષેત્રના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરીને એક પ્રકારે ઉદ્યોગ અને સરકાર વચ્ચે સેતુ બની રહે છે.

માર્કેટ તરીકેની છાપમાંથી ઉત્પાદન હબ સુધીની યાત્રા
વર્ષો પહેલાં ભારતની છાપ એક મોટા માર્કેટ તરીકેની હતી પરંતુ હવે પીએમ નરેન્દ્રભાઈની સરકાર દ્વારા ઉદ્યોગોને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવે છે તેને કારણે દુનિયામાં ભારત આજે ઉત્પાદન હબ તરીકે ઓળખાય છે તેમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાને વિકસિત ભારત 2047નું જે આહવાન કર્યું છે તે દિશામાં રાજ્યની ક્ષમતાઓમાં સહયોગ કરીને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તેને વિશ્વ સ્તરે વિકસાવીને પાર પાડશે તેવો વિશ્વાસ છે.
જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરઃ
GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પ્રદર્શનમાં 610 એક્ઝિબિટરનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અંદાજે 30 હજાર કરતાં વધુ મુલાકાતીઓએ નોંધણી કરાવી છે અને તે 50 હજાર સુધી પહોંચવાની શક્યતા છે. GATE 2026ની થીમ “ગુજરાતનું વિઝન – વૈશ્વિક મહત્વકાંક્ષા“ (Gujarat’s Vision – Global Ambition) છે જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિઝન 2047″ને લક્ષ્યમાં રાખવામાં આવ્યું છે. આ રોડમેપ ભારતની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ એક્સ્પો ગુજરાતને નિરંતર, નવીન આર્થિક મજબૂતીના કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ટોરેન્ટ પાવર લિમિટેડના વાઇસ ચેરમેન અને એમડી શ્રી જીનલ મહેતાએ કહ્યું હતું કે, હાલમાં વૈશ્વિક જીઓપોલિટિકલ અનિશ્ચિતતા ચાલી રહી છે, ત્યારે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતમાં ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે મહત્ત્વની નીતિઓ ઘડીને એક નવી દિશા આપવામાં આવી રહી છે.
અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, CREDAI નેશનલના પ્રેસિડેન્ટ શ્રી શેખર પટેલ, GCCIના સીની. વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધી, ADC બેન્કના ચેરમેન શ્રી અજય પટેલ, GCCIના સેક્રેટરી શ્રી સુધાંશુ મહેતા જેવા અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રો સામેલ
આ વર્ષે ઓટોમોબાઈલ, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન તથા ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર જેવાં ઝડપથી ઊભરી રહેલાં ક્ષેત્રો સહિત રાજ્યના મહત્ત્વના ઔદ્યોગિક ક્ષેત્રો દ્વારા ગુજરાતની ઔદ્યોગિક શક્તિનું પ્રદર્શન GATE 2026માં જોવા મળી રહ્યું છે આ ક્ષેત્રો છે:-
ઓટોમોબાઈલ અને મોબિલિટી, બેન્કિંગ, ફાયનાન્શિયલ સર્વિસીસ અને ઈન્સ્યોરન્સ (BFSI), ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, AI અને IT, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન, MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો), રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ટેક, સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેશન, ટૂરિઝમ અને હોસ્પિટાલિટી, મહિલા ઉદ્યોગસાહસિકતા, ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સ.
હાઈ–ઈમ્પેક્ટ સેશન્સ અને ઉદ્યોગ સંવાદ
GATE 2026 અંતર્ગત વૈશ્વિક ઉદ્યોગ જગતના ભવિષ્ય પર કેન્દ્રિત શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય સત્રો યોજાશે, જેમ કે:
- CEO પાવર પેનલ: વૈશ્વિક સ્તરના વિશાળ સાહસોનું નિર્માણ.
- મુખ્ય વક્તવ્ય: ‘શૂન્ય સે શિખર તક’ – સંજય ઘોડાવત ગ્રુપના ચેરમેન શ્રી સંજય ઘોડાવત દ્વારા નેતૃત્વ પર માર્ગદર્શન.
- સેમિકોન પેનલ ચર્ચા: વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્રની તકો અને પડકારો.
- AI અને ડીપ ટેક: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોડક્ટ્સમાં રોકાણ અને ભારતના ટેક ક્ષેત્રનું ભવિષ્ય.
- સ્પોર્ટ્સ ઈકોનોમી: રમતગમતના ક્ષેત્રમાં ઉભરતી વ્યાપારી તકો.
- સ્ટાર્ટઅપ પિચિંગ: ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે લાઈવ ફંડિંગ સેશન્સ.
GATE 2026 દરમિયાન જાણીતી હસ્તીઓ સાથે વિશેષ ‘ફાયરસાઈડ ચેટ્સ’ પણ યોજાશે, જે અંતર્ગતઃ
- 17 એપ્રિલને શુક્રવારે: સુપ્રસિદ્ધ અભિનેત્રી અને લેખિકા સોનાલી બેન્દ્રે સાથે સંવાદ.
- 18 એપ્રિલને શનિવારે: જાણીતા અભિનેતા અને મોટિવેશનલ સ્પીકર શ્રી રાકેશ બેદી દ્વારા કલા અને પ્રોત્સાહન અંગે માર્ગદર્શન.
18 એપ્રિલે GATE 2026નું સમાપન સત્ર વ્યાપાર અને ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાશે.


