ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર અસર: IMFએ દુનિયાનો વિકાસ દર ઘટાડ્યો, ભારતની સ્થિતિ મજબૂત
વોશિંગ્ટન, 17 એપ્રિલ 2026: ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) એ તેના તાજેતરના અહેવાલમાં ચેતવણી આપી છે કે ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધે વૈશ્વિક અર્થતંત્રની ગતિ ધીમી પાડી દીધી છે. વર્ષની શરૂઆતમાં અર્થતંત્રમાં જે રિકવરી દેખાઈ રહી હતી, તે હવે યુદ્ધના કારણે અટકી ગઈ છે. આઈએમએફએ વર્ષ 2026 માટે વૈશ્વિક વિકાસ દરનો અંદાજ 3.4 ટકાથી ઘટાડીને 3.1 ટકા કર્યો છે. સંસ્થાએ એમ પણ ઉમેર્યું છે કે જો સ્થિતિ વધુ વણસશે તો આ દર 2 ટકા સુધી નીચે જઈ શકે છે અને વિશ્વભરમાં મોંઘવારી 6 ટકાના સ્તરે પહોંચી શકે છે.
આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી પિયરે-ઓલિવિયર ગૌરિંચાસે જણાવ્યું હતું કે મધ્ય પૂર્વનું યુદ્ધ વૈશ્વિક અર્થતંત્ર માટે મોટો ફટકો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ અને પ્રાદેશિક નુકસાનને કારણે તેલનો પુરવઠો પ્રભાવિત થયો છે. જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ અનેક વર્ષોની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. આ મોંઘવારીને કારણે સામાન્ય લોકોની ખર્ચ કરવાની શક્તિમાં ઘટાડો થયો છે.
-
અમેરિકાનો વિકાસ દર 2.3 ટકા રહેવાનો અંદાજ
અમેરિકામાં પેટ્રોલમાં ભાવવધારાને કારણે મંદીનો ખતરો વધ્યો છે. 2026 માં અમેરિકાનો વિકાસ દર 2.3 ટકા રહેવાનો અંદાજ છે, જે અગાઉ કરતા 0.1 ટકા ઓછો છે. G7 દેશોમાં બ્રિટનને સૌથી વધુ નુકસાન થયું છે. તેનો વિકાસ દર 0.5 ટકા ઘટાડીને 0.8 ટકા કરવામાં આવ્યો છે. તેલ ઉત્પાદક દેશ સાઉદી અરેબિયાના વિકાસ દરમાં 1.4 ટકા નો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, જે હવે 3.1 ટકા રહેવાની ધારણા છે.
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતની સ્થિતિ આશાસ્પદ દેખાઈ રહી છે. આઈએમએફએ ભારત માટે 2026 અને 2027 ના વિકાસ દરના અંદાજમાં 0.1 ટકાનો વધારો કર્યો છે. વર્ષ 2025 માં ભારતનો ગ્રોથ 7.6 ટકા રહેવાની શક્યતા છે. તેમજ 2026 અને 2027 માં ભારત 6.5 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. પડોશી દેશ પાકિસ્તાનના અંદાજમાં પણ સુધારો જોવા મળ્યો છે, જે 2026 માં 3.6 ટકાના દરે વધી શકે છે.
આઈએમએફએ ચેતવણી આપી છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો વૈશ્વિક અર્થતંત્રને વધુ નુકસાન થશે. વધતું જતું દેવું અને દેશો વચ્ચેનો રાજકીય તણાવ જોખમમાં વધારો કરી રહ્યા છે. જોકે, જો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ના કારણે કામકાજમાં ઝડપ આવે અને દેશો વચ્ચેના વ્યાપાર સંબંધો સુધરે, તો આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પણ શક્યતા છે.
આ પણ વાંચોઃ હરિવંશ સિંઘ સતત ત્રીજીવાર રાજ્યસભાના ઉપસભાપતિ પદે બિનહરીફ ચૂંટાયા, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી


