Homerevoinewsમહિલા અનામત ખરડા ઉપર લોકસભામાં મતદાન પહેલાં પીએમ મોદીએ સાંસદોને શું અપીલ...

મહિલા અનામત ખરડા ઉપર લોકસભામાં મતદાન પહેલાં પીએમ મોદીએ સાંસદોને શું અપીલ કરી?

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2026 – લોકસભા તથા રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતા ખરડા ઉપર સંસદમાં બે દિવસથી ચર્ચા ચાલી રહી છે અને આજે, શુક્રવારે તેના ઉપર મતદાન થાય તેવી સંભાવના છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પક્ષના સાંસદોને એક વિશેષ અપીલ કરી છે.

સોશિયલ મીડિયા X ઉપર એક પોસ્ટ કરીને પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આ એક ઐતિહાસિક પગલું છે અને તમામ પક્ષોએ તેને સાથ આપવો જોઈએ. વડાપ્રધાને X ઉપર કરેલી આ અપીલનો ગુજરાતી સાર નીચે મુજબ છેઃ

“સંસદમાં અત્યારે નારીશક્તિ વંદન અધિનિયમમાં સુધારા પર ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે રાત્રે પણ 1 વાગ્યા સુધી ચર્ચા ચાલી છે.

જે ભ્રમ ફેલાવવામાં આવ્યા હતા, તેને દૂર કરવા માટે તર્કબદ્ધ જવાબ આપવામાં આવ્યો છે. દરેક આશંકાનું સમાધાન કરવામાં આવ્યું છે. જે જાણકારીઓનો અભાવ હતો, તે જાણકારીઓ પણ દરેક સભ્યને આપવામાં આવી છે. કોઈના મનમાં વિરોધનો જે કોઈ પણ વિષય હતો, તેનું પણ સમાધાન થયું છે.

મહિલા અનામતના આ વિષય પર દેશમાં ચાર દાયકા સુધી ખૂબ રાજનીતિ કરી લેવામાં આવી છે. હવે સમય છે કે દેશની અડધી વસ્તીને તેના અધિકારો ચોક્કસ મળે.

આઝાદીના આટલા દાયકાઓ પછી પણ ભારતની મહિલાઓનું નિર્ણય લેવાની પ્રક્રિયામાં આટલું ઓછું પ્રતિનિધિત્વ રહે, તે યોગ્ય નથી.

હવે થોડી જ વારમાં લોકસભામાં મતદાન થવાનું છે. હું તમામ રાજકીય પક્ષોને આગ્રહ કરું છું… અપીલ કરું છું…

કૃપા કરીને વિચાર-વિમર્શ કરીને સંપૂર્ણ સંવેદનશીલતાથી નિર્ણય લો, મહિલા અનામતના પક્ષમાં મતદાન કરો.

હું દેશની નારીશક્તિ વતી પણ તમામ સભ્યોને પ્રાર્થના કરીશ… એવું કંઈ પણ ન કરો, જેનાથી નારીશક્તિની ભાવનાઓને ઠેસ પહોંચે.

દેશની કરોડો મહિલાઓની દ્રષ્ટિ આપણા સૌ પર છે, આપણી દાનત પર છે, આપણા નિર્ણય પર છે. કૃપા કરીને નારીશક્તિ વંદન અધિનિયમમાં સુધારાને સાથ આપો. આ સુધારો મહિલાઓને રાજનીતિમાં મજબૂતીથી ઊભા રહેવાની અને રાષ્ટ્ર નિર્માણમાં નવી ઊર્જા સાથે સહભાગી થવાની તક આપશે.”

સંબંધિત લેખો

Most Popular