1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના 142 પ્લોટ્સ પર દબાણો હટાવવા તંત્રની નિષ્ક્રિયતા

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના 142 પ્લોટ્સ પર દબાણો હટાવવા તંત્રની નિષ્ક્રિયતા

0
Social Share

અમદાવાદઃ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ અન્વયે મ્યુનિ. કોર્પોરેશનને મળેલા કરોડો રૂપિયાનાં પ્લોટસની સાચવણીમાં બેદરકારીને પગલે 143 જેટલાં પ્લોટ ઉપર જાતજાતનાં દબાણો થઇ ગયાં હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિ.ટાઉન પ્લાનિંગ કમિટીએ સાતેય ઝોનમાં ટીપી સ્કીમ અંતર્ગત મ્યુનિ.ને મળેલા પ્લોટ અને તેની પરિસ્થિતિ અંગે વિગતો રજૂ કરવા સૂચના આપી હતી. તેના પગલે એસ્ટેટ વિભાગે તમામ ઝોનમાથી તમામ પ્લોટ, કેટલા પ્લોટ ફરતે દિવાલ છે, કેટલા પ્લોટ ફરતે દિવાલ નથી અને કેટલા પ્લોટ ઉપર દબાણ છે તેની વિગતો રજૂ કરી હતી.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરનાં વિવિધ વિસ્તારોનાં સુઆયોજિત વિકાસ માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલમાં મુકવામાં આવે છે, તેમાં રોડ-રસ્તા, પાણી, ગટર અને સ્ટોર્મ વોટર લાઇન, સ્ટ્રીટ લાઇટ સહિતની માળખાકીય સુવિધા પૂરી પાડવાની જવાબદારી મ્યુનિ.નાં શિરે હોય છે. જે તે ટીપી સ્કીમ વિસ્તારમાં માળખાકીય ઉપરાંત પાર્ટીપ્લોટ-હોલ, બાગબગીચા, હેલ્થ સેન્ટર, મ્યુનિ. સ્કૂલ, ગરીબ આવાસ યોજના, રેનબસેરા વગેરે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મ્યુનિ. માટે નિયમાનુસાર પ્લોટ રિઝર્વ કરવામાં આવે છે. વિવિધ હેતુ કે વિકાસકાર્યો માટે અનામત પ્લોટ ઉપરાંત કેટલાક પ્લોટ વેચાણ કરી શકાય તેમ હોય છે. આ પ્લોટનાં વેચાણથી જે આવક થાય તે શહેરીજનોને માળખાકીય સુવિધા તથા બ્રિજ સહિતનાં વિકાસકાર્યો પાછળ ખર્ચવામાં આવે છે.

ટીપી કમિટીના સૂત્રોએ ઉમેર્યું હતું કે, અત્યારે શહેરમાં કુલ 263  ટીપી સ્કીમ જાહેર થયેલી છે, તે પૈકી 122 ટીપી સ્કીમ ફાઇનલ થયેલી છે, જયારે બાકીની ટીપી સ્કીમ જુદા જુદા તબક્કામાં છે. આ ટીપી સ્કીમોમાં મ્યુનિ.ને કુલ 4004  નાનામોટા પ્લોટ પ્રાપ્ત થયેલાં છે. આ પ્લોટને સાચવવાની અને તેની ઉપર દબાણ ન થાય કે કોઇ માથાભારે તત્વ તે પચાવી ન પાડે તે જોવાની જવાબદારી જે તે ઝોનનાં એસ્ટેટ-ટીડીઓ ખાતાની છે. દરમિયાન  મ્યુનિ.એસ્ટેટ ખાતાનાં સૂત્રોએ સ્વીકાર્યુ હતું કે, જવાબદારી જે તે ઝોનની જ છે, પરંતુ કેટલીક ટીપીમાં મ્યુનિ.એ જાતે જ દબાણવાળા પ્લોટ સ્વીકાર્યાનાં દાખલા છે તો કેટલીક ટીપી સ્કીમમાં મળેલાં પ્લોટમાં લુખ્ખા તત્વો સ્ટાફને ધાકધમકી આપીને દબાણો કરી ચૂક્યા છે અને અમુક જગ્યાએ નીચલા વર્ગનાં કર્મચારીઓની બેદરકારીનાં કારણે દબાણો થઇ ગયાં છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code