નવી દિલ્હીઃ ગુવાહાટી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે 408 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમને જીતવા માટે 549 રનની જરૂર હતી પરંતુ 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે પાંચમા દિવસની શરૂઆત 27 રનમાં 2 વિકેટે કરી હતી. દક્ષિણ આફ્રિકાના સ્પિનર સિમોન હાર્મર સામે ભારતીય બેટ્સમેન સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા. ટીમે સતત વિકેટ ગુમાવી, અને આખી ટીમ 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. રવિન્દ્ર જાડેજા 87 બોલમાં 54 રન બનાવીને ટોપ સ્કોરર રહ્યો.
દક્ષિણ આફ્રિકા માટે સિમોન હાર્મરે 37 રનમાં 6 વિકેટ લીધી. કેશવ મહારાજે 2 વિકેટ લીધી, જ્યારે માર્કો જેનસેન અને સેનુરન મુથુસામીએ 1-1 વિકેટ લીધી.દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સેનુરન મુથુસામીના 109 અને માર્કો જાનસેનના 93 રનની મદદથી 489 રન બનાવ્યા. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ લીધી, જ્યારે જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી.
ભારત પ્રથમ ઇનિંગમાં 201 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જે 288 રનથી પાછળ હતું. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જાનસેન 6 વિકેટ, સિમોન હાર્મરે 3 અને કેશવ મહારાજે 1 વિકેટ લીધી. દક્ષિણ આફ્રિકાએ પોતાનો બીજો ઇનિંગ 260 રનમાં 5 વિકેટે ડિકલેર કર્યો અને 288 રનની પ્રથમ ઇનિંગની લીડના આધારે ભારતને 549 રનનો લક્ષ્યાંક આપ્યો. ભારત 140 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેનાથી ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં 408 રનના માર્જિનથી તેનો સૌથી મોટો પરાજય થયો. કોલકાતા ટેસ્ટ 30 રનથી જીતનાર દક્ષિણ આફ્રિકાએ આ રેકોર્ડ વિજય સાથે શ્રેણી 0-2 થી જીતી લીધી.

