Homeગુજરાતીદેશ-વિદેશભારતીય સેનાના T-72 અને T-90 ટેન્કોને વધુ તાકાત મળશે: સંરક્ષણ મંત્રાલય દ્વારા...

ભારતીય સેનાના T-72 અને T-90 ટેન્કોને વધુ તાકાત મળશે: સંરક્ષણ મંત્રાલય દ્વારા 586 કરોડનો મોટો કરાર

નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર 2026: ભારતીય સેનાના મુખ્ય યુદ્ધ ટેન્કો T-72 અને T-90 ની ઓપરેશનલ ક્ષમતા અને સજ્જતાને વધુ મજબૂત કરવાના હેતુથી સંરક્ષણ મંત્રાલયે રૂ. 586 કરોડનો એક મોટો કરાર કર્યો છે. આ કરાર હેઠળ બંને પ્રકારના ટેન્કો માટે સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા ‘ઓક્સિલરી પાવર યુનિટ’ (APU) ની ખરીદી કરવામાં આવશે. APU ટેન્કની વિવિધ મહત્વપૂર્ણ સિસ્ટમોને જરૂરી વીજ પુરવઠો પૂરો પાડવાનું કાર્ય કરે છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્વદેશી APU ના ઉમેરાથી સેનાની મેકનાઇઝ્ડ ફોર્મેશનની ક્ષમતા, વિશ્વસનીયતા અને લાંબા સમય સુધી કાર્યરત રહેવાની ક્ષમતમાં નોંધપાત્ર વધારો થશે.

સંરક્ષણ મંત્રાલયે 21 સપ્ટેમ્બર 2026 ના રોજ નવી દિલ્હી ખાતે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની ઉપસ્થિતિમાં ‘એક્યુરેટ ઇન્ડસ્ટ્રિયલ કંટ્રોલ્સ પ્રાઇવેટ લિમિટેડ’ સાથે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ખરીદી સશસ્ત્ર પ્લેટફોર્મ્સ સંબંધિત મહત્વપૂર્ણ પ્રણાલીઓના સ્વદેશીકરણ તરફનું એક મોટું અને નિર્ણાયક પગલું છે. APU એ ટેન્કમાં વીજળી ઉત્પન્ન કરવાનો એક વૈકલ્પિક સ્ત્રોત છે. તેનો ઉપયોગ ફાઇર કંટ્રોલ સિસ્ટમ, ફાયરિંગ સર્કિટ અને ગન સ્ટેબિલાઇઝેશન સિસ્ટમ જેવી ટેન્કની અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પ્રણાલીઓને વીજળી પૂરી પાડવા માટે થાય છે. આ સિસ્ટમો સતત અને ભરોસાપાત્ર રીતે કામ કરે તે માટે વીજળી જરૂરી હોય છે, જેથી APU ટેન્કની ક્ષમતા જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

  • રૂ. 586 કરોડના કરારથી સેનાને શું ફાયદો થશે?

આ કરારથી ભારતીય સેનાની ઓપરેશનલ રેડીનેસ (યુદ્ધ સજ્જતા) મજબૂત થશે. દેશમાં જ APU નું નિર્માણ થવાથી મહત્વપૂર્ણ સંરક્ષણ પ્રણાલીઓ માટે સ્થાનિક ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષમતાને પ્રોત્સાહન મળશે. આ કરાર ‘Make-II’ યોજના હેઠળ ઉદ્યોગોના નેતૃત્વમાં સંશોધન અને વિકાસથી તૈયાર થયેલી ટેકનોલોજીને વાસ્તવિક ઉત્પાદન અને સેનામાં સામેલ કરવાની પ્રક્રિયાની સફળતા દર્શાવે છે.

  • ‘વિકસિત ભારત 2047’ અને આત્મનિર્ભરતા તરફ કદમ

સંરક્ષણ મંત્રાલયે આ કરારને સરકારના ‘વિકસિત ભારત@2047’ વિઝન સાથે જોડ્યો છે. દેશમાં વિકસિત આ ટેકનોલોજી માત્ર પરીક્ષણ સુધી સીમિત ન રહેતા સેનાના પ્રત્યક્ષ ઉપયોગમાં આવી રહી છે. આ પગલું સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા અને ગ્લોબલ લેવલે સ્પર્ધા કરી શકે તેવા મજબૂત સ્વદેશી સંરક્ષણ ઉદ્યોગનું નિર્માણ કરવા તરફ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular