1. Home
  2. ગુજરાતી
  3. UNSC માં સુધારાઓની ધીમી ગતિ સામે ભારતની નારાજગી: 17 વર્ષ વીતવા છતાં પરિણામ શૂન્ય
UNSC માં સુધારાઓની ધીમી ગતિ સામે ભારતની નારાજગી: 17 વર્ષ વીતવા છતાં પરિણામ શૂન્ય

UNSC માં સુધારાઓની ધીમી ગતિ સામે ભારતની નારાજગી: 17 વર્ષ વીતવા છતાં પરિણામ શૂન્ય

0
Social Share

ન્યુયોર્ક, 29 જુલાઈ 2026: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) માં સુધારા લાવવાની લાંબી અને કંટાળાજનક પ્રક્રિયાને લઈને ભારતે ફરી એકવાર પોતાની નારાજગી ખુલ્લીને વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પાર્વથનેની હરીશે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વાટાઘાટોના 17 દોર પૂરા થઈ ગયા હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી. તેમણે આડેહાથ લેતા કહ્યું કે વૈશ્વિક સુરક્ષા પરિષદમાં સુધારાની આ મહત્વપૂર્ણ પ્રક્રિયા અમુક દેશોના સંકુચિત અને સ્વાર્થી હિતોની ગુલામ કે બંધક બની શકે નહીં. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા સુરક્ષા પરિષદના સુધારા સાથે જોડાયેલી આંતર-સરકારી વાટાઘાટોને આગામી સત્ર સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે, જેની સાથે જ આ પ્રક્રિયા હવે પોતાના 18મા વર્ષમાં પ્રવેશી ચૂકી છે. આગામી સપ્ટેમ્બરથી શરૂ થનારા યુએન જનરલ એસેમ્બલીના 81મા સત્રમાં આ મુદ્દે ફરીથી મંથન થશે.

વાટાઘાટોની પ્રક્રિયાને આગળ ધપાવવાના નિર્ણયને ભારતે સમર્થન તો આપ્યું છે, પરંતુ આ સુધારણા પ્રક્રિયામાં થઈ રહેલા અસાધારણ વિલંબ પર તીખી પ્રતિક્રિયા આપી છે. રાજદૂત પી. હરીશે ભારતીય દર્શનશાસ્ત્રનું ઉદાહરણ આપતા કટાક્ષ કર્યો હતો કે, ‘હિન્દુ દર્શન મુજબ માનવ આત્માને અનેક જન્મ લીધા પછી મોક્ષ પ્રાપ્ત થાય છે, પરંતુ સુરક્ષા પરિષદમાં સુધારા માટેના 17 ચક્રો પૂરા થઈ ગયા હોવા છતાં હજુ સુધી કોઈ જ ઉકેલ દેખાઈ રહ્યો નથી.’

ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે સુરક્ષા પરિષદમાં વાસ્તવિક અને અર્થપૂર્ણ સુધારા ત્યારે જ સંભવ બનશે જ્યારે કાયમી અને અસ્થાયી એમ બંને શ્રેણીઓની બેઠકોમાં સંતુલિત વિસ્તરણ કરવામાં આવે. માત્ર અસ્થાયી બેઠકોની સંખ્યા વધારી દેવાથી પાંચ કાયમી સભ્ય દેશોના નિર્ણયો લેવાના એકાધિકારમાં કોઈ જ ફરક પડવાનો નથી. દેશે માંગ કરી છે કે હવે મૌખિક ચર્ચાઓને બદલે ચોક્કસ સમયમયાંદા સાથે લેખિત મુસદ્દાના આધારે વાટાઘાટો શરૂ થવી જોઈએ અને વૈશ્વિક દક્ષિણ (ગ્લોબલ સાઉથ) ને યુએનએસસીમાં યોગ્ય અને મોટું પ્રતિનિધિત્વ મળવું જોઈએ.

  • વર્ષ 2028-29ની બેઠક માટે ભારત લડશે ચૂંટણી

દરમિયાન, વિદેશ મંત્રી એસ. જયશંકરે આગામી સમયમાં વર્ષ 2028-29ના કાર્યકાળ માટે સુરક્ષા પરિષદની અસ્થાયી બેઠક મેળવવા ભારતના રાજદ્વારી અભિયાનનો આરંભ કરી દીધો છે. આવતા વર્ષે જૂન મહિનામાં યોજાનારી ચૂંટણીમાં એશિયા-પેસિફિક સમૂહની એક બેઠક માટે ભારત અને તાજિકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. અગાઉ ભારત આઠ વખત સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય રહી ચૂક્યું છે, જેમાં છેલ્લે વર્ષ ૨૦૨૧-૨૨ના કાર્યકાળ દરમિયાન દેશે આ જવાબદારી સંભાળી હતી.

બીજી બાજુ, ઇટાલી, પાકિસ્તાન, તુર્કી અને કેનેડા જેવા દેશોના ‘યુનાઈટેડ ફોર કન્સનસાસ’ જૂન દ્વારા એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે સુરક્ષા પરિષદમાં માત્ર અસ્થાયી બેઠકોની સંખ્યા જ વધારવી જોઈએ, અને તેઓ કાયમી સભ્યોની સંખ્યા વધારવાના સખત વિરોધમાં છે.

  • પશ્ચિમ એશિયામાં જહાજો પર હુમલાની સખત નિંદા અને ભારતનું હિત

યુએનએસસીની એક અન્ય બેઠક દરમિયાન ભારતે પશ્ચિમ એશિયામાં વકરી રહેલા તણાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. હોર્મુઝની ખાડી પાસેથી પસાર થઈ રહેલા ‘જીએફએસ ગેલેક્સી’, ‘એમટી અલ બહિયાહ’ અને ‘એમટી મોમ્બાસા’ સહિતના અનેક વેપારી જહાજો પર થયેલા હુમલાઓની ભારતે કઠોર શબ્દોમાં નિંદા કરી છે. આ હુમલાઓમાં એક ભારતીય નાગરિકનું મોત નીપજ્યું છે, એક લાપતા છે અને અનેક ઘાયલ થયા છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર વ્યાપારી જહાજોની સુરક્ષિત અને અવરોધમુક્ત અવરજવર દરેક ભોગે પુનઃસ્થાપિત થવી જ જોઈએ.

ભારતે યાદ અપાવ્યું કે પશ્ચિમ એશિયા સીધી રીતે તેની અર્થવ્યવસ્થા, ઉર્જા સુરક્ષા અને કરોડો ભારતીયો સાથે જોડાયેલું ક્ષેત્ર છે. ખાડી દેશોમાં આશરે 1 કરોડ ભારતીયો વસે છે અને કામ કરે છે. જીસીસી દેશો સાથે ભારતનો વાર્ષિક વેપાર આશરે 180 અબજ ડૉલરનો છે અને ભારતને આ દેશોમાંથી ૫૨ અબજ ડૉલરથી વધુનું રેમિટન્સ તથા 31 અબજ ડૉલરથી વધુનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ પ્રાપ્ત થાય છે. ગાઝામાં સર્જાયેલા માનવીય સંકટ પર ચિંતા વ્યક્ત કરતા ભારતે ‘ટુ-નેશન સોલ્યુશન’ (બે-રાષ્ટ્ર ઉકેલ) નું સમર્થન દોહરાવ્યું હતું તેમજ યમનમાં હૂતી વિદ્રોહીઓના હુમલાઓ અને લેબનાનમાં યુએન શાંતિ રક્ષકો પર થયેલા હુમલાઓની આકરી ટીકા કરી તમામ પક્ષોને તણાવ ઘટાડીને કૂટનીતિના માર્ગે પાછા ફરવા અપીલ કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code