1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર
NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર

0
Social Share

અમદાવાદ: દિનેશ હૉલ ખાતે આયોજિત ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન’ પરિસંવાદમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઘડાયેલી નવી શિક્ષણ નીતિના માધ્યમથી ભારતીય ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે. આઝાદીના અમૃત કાળમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ. આ બાબતે સામુહિક મનોમંથન અને પ્રયાસો કરીએ એવો અનુરોધ  શિક્ષણ મંત્રીએ કર્યો હતો.

શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુરુકુળમાં બાળકોને ૬૪ કળાઓનું જ્ઞાન તથા વિવિધ કૌશલ્યો શીખવવામાં આવતા હતા, શિક્ષણ એકાંગી નહોતું, એટલે જ આપણો દેશ વિશ્વગુરુ હતો. આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ ફરી એ દિશામાં આગળ વધી રહ્યો છે. જી-૨૦દેશોની અધ્યક્ષતા આપણે કરી રહ્યા છીએ, એવું તેમણે ઉમેર્યું હતું.

શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નેતૃત્વમાં ગુજરાતમાં તમામ ક્ષેત્રમાં વિકાસ થયો અને ઉપેક્ષિત, દલિત, પીડિત અને જનજાતિ સમુદાયના લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું.

અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ આયોજિત પરિસંવાદના ઉદઘાટન સત્રમાં શિવાનંદ આશ્રમના વડા પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ  ભાગ્યેશ જ્હા, શિક્ષણકાર મફતભાઈ પટેલ, અચલા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સુશ્રી અનારબહેન પટેલે ભારતીય ગુરુકુળ પરંપરા અંગે મનનીય વિચારો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ગુરુકુળના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ. મફતભાઈ પટેલનાં હિન્દી અનુવાદિત પુસ્તકો, ‘અચલા’ સામયિકના ભારતીય ગુરુકુળ પરંપરા પરના વિશેષાંક સહિત શિક્ષણને લગતાં અન્ય પુસ્તકોનું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પદ્મશ્રીથી સન્માનિત વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલ, લોકભારતી સણોસરાના મેનેજિંગ ટ્રસ્ટી અરુણભાઈ દવે, નલિન પંડિત સહિતના શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં શિક્ષકો, હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા, સાબરમતીના વિદ્યાર્થીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code