આંતરિક સુરક્ષા બનશે મજબુત, DRDOએ ગૃહ મંત્રાલયને સોંપી AI સજ્જ પ્રજ્ઞા સેટેલાઈટ સિસ્ટમ
નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: ભારતની આંતરિક સુરક્ષાને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કર્યું છે. ડીઆરડીઓ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત સ્વદેશી ‘પ્રજ્ઞા ઈમેજિંગ સેટેલાઈટ સિસ્ટમ’ વિકસાવીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપવામાં આવી છે. આ સિસ્ટમથી આતંકવાદ અને નક્સલવાદ વિરોધી અભિયાનોમાં ભારતને મોટી સફળતા મળશે.
દિલ્હીના કર્તવ્ય ભવન-3 ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ડીઆરડીઓના સચિવ સમીર વી. કામતે કેન્દ્રીય ગૃહ સચિવને આ સિસ્ટમ સુપ્રત કરી હતી. આ સિસ્ટમને બેંગલુરુ સ્થિત ડીઆરડીઓની લેબોરેટરી ‘સેન્ટર ફોર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રોબોટિક્સ’ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તે AI પર આધારિત હોવાથી રિયલ ટાઈમ ડેટા એનાલિસિસ કરશે, જેનાથી સંવેદનશીલ વિસ્તારોની દેખરેખ રાખવી અને ત્વરિત નિર્ણયો લેવા સરળ બનશે.
ગૃહ મંત્રાલય આ સેટેલાઈટ સિસ્ટમનો ઉપયોગ દેશના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવા માટે કરશે. આતંકવાદી ગતિવિધિઓ અને નક્સલવાદીઓના છુપા ઠેકાણાઓની સચોટ માહિતી મળવાથી સુરક્ષા દળો વધુ અસરકારક રીતે ઓપરેશન પાર પાડી શકશે. આંતરિક સુરક્ષાની સાથે ભારતે દરિયાઈ સરહદે પણ પોતાની તાકાત બતાવી છે. ડીઆરડીઓ અને ભારતીય નૌસેનાએ ગોવા તટ પર સ્વદેશી એર-ડ્રોપેબલ કન્ટેનર ‘ADC-150’ના ચાર સફળ પરીક્ષણો કર્યા છે.
જ્યારે ભારતીય નૌસેનાના જહાજો કિનારાથી હજારો કિલોમીટર દૂર મધદરિયે હોય છે, ત્યારે ત્યાં જરૂરી સામાન પહોંચાડવો મુશ્કેલ હોય છે. આ સમસ્યાનો ઉકેલ ADC-150 કન્ટેનર છે. આ કન્ટેનર 150 કિલોગ્રામ સુધીનો સામાન (દવાઓ, સ્પેર પાર્ટ્સ અથવા રાશન) લઈ જવા સક્ષમ છે. નૌસેનાના P-8I વિમાન દ્વારા આ કન્ટેનરને આકાશમાંથી સીધું દરિયામાં જહાજ પાસે સુરક્ષિત રીતે પાડી શકાય છે. 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન ગોવા તટ પર મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેના 4 પરીક્ષણ કરવામાં આવ્યા, જે તમામ સફળ રહ્યા છે.
આ ટેકનોલોજીને આગ્રા, બેંગલુરુ, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમની સરકારી લેબોરેટરીઓએ સાથે મળીને તૈયાર કરી છે. આ કન્ટેનરના ઉપયોગથી હવે યુદ્ધ કે ઈમરજન્સીના સમયે મધદરિયે તૈનાત જહાજો સુધી ઈમરજન્સી મેડિકલ કિટ કે અન્ય પુરવઠો પહોંચાડવો અત્યંત સરળ બની જશે. આ બંને સિદ્ધિઓ ભારતને સંરક્ષણ ક્ષેત્રે ‘આત્મનિર્ભર’ બનાવવાની દિશામાં એક મજબૂત ડગલું છે.
આ પણ વાંચોઃ મિડલ ઈસ્ટ તણાવથી મોંઘવારીનું જોખમ: આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આપી ચેતવણી


