કાશ્મીરઃ જૈશ-એ-મોહમ્મદનાખતરનાક સૈફુલ્લાહ ગ્રુપનો સફાયો, 30 દિવસમાં 8 આતંકી ઠાર મરાયાં
નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે સુરક્ષાબળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ત્રણેય આતંકીઓની ઓળખ કરી લેવામાં આવી છે. આ સાથે જ ખીણમાં આતંક મચાવનાર જૈશ-એ-મોહમ્મદનું સૌથી ઘાતક ગણાતું ‘સૈફુલ્લાહ ગ્રુપ’ હવે સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે. માર્યા ગયેલા આતંકીઓમાં ટોપ કમાન્ડર સૈફુલ્લાહ, ફરમાન અલી અને બાશા ઉર્ફે હુરૈરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય આતંકીઓ પર ગત વર્ષે કિશ્તવાડ પોલીસે 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં આતંકી મોડ્યુલને જડમૂળથી ઉખેડી નાખવા માટે સેના દ્વારા ૨૨ ફેબ્રુઆરીએ ‘ઓપરેશન ત્રાશી-1’ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન જમ્મુ-કાશ્મીર પોલીસ, સેનાની CIF (કાઉન્ટર ઇન્ટેલિજન્સ ફોર્સ) ડેલ્ટા અને CRPF દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યું હતું. સેનાની ‘વ્હાઇટ નાઈટ કોર’ના જણાવ્યા અનુસાર, કિશ્તવાડના ચતરુના જંગલો અને રહેણાંક વિસ્તારોમાં 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરવામાં આવી હતી.
આતંકીઓને ભાગવાની કોઈ તક ન મળે તે માટે સેનાએ તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દીધા હતા. આ સર્ચ ઓપરેશનમાં એડવાન્સ ડ્રોન અને સ્નિફર ડોગ્સ જેવી હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અથડામણ બાદ ઘટનાસ્થળેથી ત્રણેય આતંકીઓના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાં ત્રીજા આતંકીનો મૃતદેહ ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં હતો. ઘટનાસ્થળેથી AK-47 રાઈફલ્સ અને મોટા જથ્થામાં દારૂગોળો જપ્ત કરાયો છે.
સુરક્ષા એજન્સીઓ માટે આ એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે કારણ કે છેલ્લા 30 દિવસમાં ઈન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે હાથ ધરાયેલા વિવિધ ઓપરેશનમાં સૈફુલ્લાહ ગ્રુપના તમામ 8 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. સૈફુલ્લાહ એક મોસ્ટ વોન્ટેડ આતંકી હતો અને લાંબા સમયથી સુરક્ષા દળોના નિશાન પર હતો. આ ઓપરેશન બાદ સમગ્ર કિશ્તવાડ અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનના અફઘાનિસ્તાન પર ભીષણ હવાઈ હુમલોમાં 80થી વધુના મોત, ભારતે કરી આકરી નિંદા


