અમદાવાદ, 16 એપ્રિલ 2026: 9 dams were empty in summer ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે ગુજરાતના 9 જળાશયો ખાલીખમ થઈ ગયા છે. ત્યારે 30 જળાશયો 90 ટકા ખાલી થતા તળિયા દેખાયા છે. રાજ્યના અન્ય જળાશયોમાં પણ પાણીની સપાટીમાં ઘટાડો થયો છે. ચોમાસાને હજુ બે મહિના જેટલો સમય બાકી છે, ત્યારે નર્મદા યોજના જ જીવાદારી સમાન બની રહી છે. જોકે રાહતના સમાચર એ છે કે, સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 45884 ક્યુસેક પાણીની આવક થતાં હાલ નર્મદા ડેમની સપાટી 130.14 મીટર નોંધાઈ છે. ભર ઉનાળામાં નર્મદા ડેમમાં 3420 MCM (Million Cubic Meters) લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સ્ટોર છે.
ગુજરાતમાં ઉનાળાની ગરમીને લીધે નર્મદા ડેમ સિવાય તમામ ડેમોમાં જળસપાટીમાં ઘટાડો થયો છે. જોકે સૌરાષ્ટ્રના ડેમોમાં વધુ અસર થઈ છે. ઉનાળામાં ગરમી વચ્ચે રાજ્યભરમાં જળમાંગમાં અને જળવપરાશમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે ત્યારે આજની સ્થિતિએ રાજ્યમાં 9 ડેમો મેદાન બની ગયા છે અર્થાત્ 99થી 100 ટકા ખાલી છે જે તમામ ડેમ સૌરાષ્ટ્રના છે. જ્યારે આ સહિત કૂલ 30 ડેમોમાં માત્ર 10 ટકા જ પાણી બચ્યું છે અર્થાત્ 90 ટકા ખાલી છે અને આ પૈકીના 29 ડેમ પણ સૌરાષ્ટ્રના છે.
રાજ્યમાં ઝોન વાઈઝ જોઈએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમો, સૌરાષ્ટ્રના 141 અને કચ્છના 20 ડેમોમાં સરેરાશ જીવંત જળરાશિ 50 ટકા કરતા પણ ઓછી છે. ખાસ કરીને કચ્છમાં માત્ર 33 ટકા, સૌરાષ્ટ્રમાં 46.57 ટકા પાણી ઉપલબ્ધ છે. ગત એક માસમાં રાજ્યના નર્મદા ડેમ સહિત કૂલ 206 જળાશયોનો જળસંગ્રહ 6,28,904 MCFTમાં 58,675નો ઘટાડો થઈને આજે 5,70,230 MCFT પાણી રહ્યું છે જે કૂલ સંગ્રહક્ષમતાના 63.93 ટકા છે. સર્વાધિક 141 ડેમો સૌરાષ્ટ્રમાં આવેલા છે જેમાં જળસંગ્રહ એક માસમાં 6660 MCFT ઘટીને આજે 44,707 MCFT રહ્યો છે. જો કે ગત વર્ષની સાપેક્ષે તે 7800 MCFT વધારે છે. આમ, રાજ્યમાં જેટલા ડેમો ખાલી થવાની તૈયારીમાં છે એટલા જ 30 ડેમો એવા છે જેમાં આજની સ્થિતિએ 70 ટકાથી વધુ જળસંગ્રહ છે.
રાજ્યમાં 3 જળાશયો 100 ટકા ફૂલ ભરાયેલા છે પરંતુ, તેમાં ચુડા તા.ના વંસલ અને તલોદ તાલુકાના જવનપુરા ડેમ તો સાવ નાના 3- 4 MCFTથી ઓછી ક્ષમતાના છે જ્યારે ઉલ્લેખનીય એકમાત્ર ડેમ રાજકોટનો આજી-2 ડેમ છે જે કૂલ 22.09 મિલિયન ક્યુબીક મીટરની ક્ષમતાનો 100 ટકા ભરેલો છે પરંતુ, પીવાના પાણી માટે તે જરાય કામનો નથી, કારણ કે આ ડેમમાં રાજકોટની ગટરનું પાણી ટ્રીટ થઈને જાય છે.








