અમદાવાદ, 16 એપ્રિલ 2026: Ayurveda doctors file writ in Gujarat High રાજ્યના આયુર્વેદિક તબીબોએ આધુનિક તબીબી પધ્ધતિ એટલે કે એલોપેથી દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવાના અધિકારની માગણી સાથે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આયુર્વેદિક ડોક્ટરોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશનમાં સરકારના જૂના નિયમોમાં સુધારો કરવાની માગ કરવામાં આવી છે, જેથી તેઓ પ્રાથમિક સારવારમાં એલોપેથિક દવાઓનો ઉપયોગ કરી શકે તેવી માગ કરવામાં આવી છે.
ગુજરાતમાં આયુર્વેદ તબીબો એલોપથીની પ્રેક્ટિસ કરી શકતા નથી. અને દર્દીઓને એલોપથીની દવાઓ પણ આપી શકતા નથી. ત્યારે આયુર્વેદ તબીબોને મર્યાદિત પ્રમાણમાં એલોપેથી પ્રેકિ્ટસ કરવાની છૂટ આપવામાં આવે તેવી માગ ઘણા સમયથી ઊઠી છે. ત્યારે આયુર્વેદ તબીબોના સંગઠને ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી છે. અરજદારોની મુખ્ય દલીલ એવી છે કે તેઓ સાડા પાંચ વર્ષના સઘન અભ્યાસક્રમ (BAMS) દરમિયાન એલોપેથી વિજ્ઞાન અને ફાર્માકોલોજીનો ઊંડો અભ્યાસ કરે છે. અભ્યાસક્રમમાં એલોપેથિક વિષયોનો સમાવેશ થતો હોવા છતાં તેમને પ્રેકિ્ટસ દરમિયાન આ દવાઓ લખવાની મંજૂરી ન આપવી તે અન્યાયી છે.
પિટિશનમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજ્યોમાં આયુર્વેદિક ડોક્ટરોને મર્યાદિત પ્રમાણમાં એલોપેથી પ્રેકિ્ટસ કરવાની છૂટ આપવામાં આવી છે, તો ગુજરાતમાં પણ સમાન ધોરણે આ સુધારો લાગુ કરવો જોઈએ. બીજી તરફ, આ મામલે મેડિકલ કાઉન્સિલ અને એલોપેથિક તબીબોના સંગઠનો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એલોપેથિક ડોક્ટરોનું માનવું છે કે દરેક ચિકિત્સા પદ્ધતિની પોતાની વિશેષતા અને મર્યાદાઓ હોય છે, અને મિશ્રણ કરવાથી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે જોખમ ઊભું થઈ શકે છે.
આયુર્વેદિક તબીબોનું કહેવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં એમ.બી.બી.એસ. ડોક્ટરોની અછત છે, ત્યાં આયુર્વેદિક ડોક્ટરો જ પ્રથમ કક્ષાની સારવાર પૂરી પાડે છે. આવી સ્થિતિમાં કટોકટીના સમયે એલોપેથિક દવાઓનો ઉપયોગ કરવાની કાયદેસરની મંજૂરી મળવી અત્યંત આવશ્યક છે.
ગુજરાત હાઈકોર્ટ હવે આ સંવેદનશીલ મુદ્દે રાજ્ય સરકાર અને સંબંધિત તબીબી સત્તાધિશો પાસેથી જવાબ માગ્યો છે અને પીટીશન એડમિટ કરી છે. આ કેસના ચુકાદા પર ગુજરાતના હજારો આયુર્વેદિક ડોક્ટરોનું ભવિષ્ય અને રાજ્યની આરોગ્ય સેવાઓની વ્યવસ્થા નિર્ભર રહેશે.


