અરવલ્લીમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર
હેમંત પરમાર, અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં લાંબી રાહ જોયા બાદ આખરે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને વરસાદના આગમનથી મોટી રાહત મળી છે. રાત્રીના સમયે શરૂ થયેલા વરસાદે અરવલ્લીના અનેક વિસ્તારોને પાણીથી તરબતર કરી દીધા હતા.
મળતી માહિતી અનુસાર રાત્રીના લગભગ ૮ વાગ્યાથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ત્યારબાદ વરસાદનું જોર વધતાં મોડાસા, બાયડ, શામળાજી, ભિલોડા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ભિલોડા તાલુકામાં સૌથી વધુ અંદાજે સવા ઈંચ વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ મંદિરના સંકુલમાં ચર્ચ બનાવવા પાછળનો ઈરાદો મલીન હોઈ શકેઃ મદ્રાસ હાઈકોર્ટ
વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. દિવસભરની ગરમી અને ઉકળાટ બાદ ઠંડા પવન અને વરસાદી માહોલથી લોકોને રાહતનો અનુભવ થયો હતો. ઘણા વિસ્તારોમાં લોકો વરસાદની મજા માણવા ઘરની બહાર નીકળ્યા હતા, જ્યારે બાળકોમાં પણ વરસાદને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. ચોમાસાના આગમનમાં થયેલા વિલંબને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી અને વાવણીની કામગીરી પણ અટવાઈ રહી હતી. હવે વરસાદ શરૂ થતાં ખેતરોમાં ભેજનું પ્રમાણ વધશે અને આગામી દિવસોમાં વાવણીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોનું માનવું છે કે જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો ખેતી માટે ખૂબ અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે.
રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદના અહેવાલો મળી રહ્યા છે, પરંતુ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની મહેર સૌથી વધુ જોવા મળી છે. વરસાદના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે આ વરસાદ રાહત અને આનંદ બંને લઈને આવ્યો છે.
એકંદરે અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ ગરમીથી ત્રસ્ત લોકોને રાહત આપી છે અને ખેડૂતોમાં નવી આશા જગાવી છે. હવે સૌની નજર આગામી દિવસોમાં ચોમાસું કેટલું સક્રિય રહે છે તેના પર ટકેલી છે.


