મુંબઈઃ ગેરકાયદે વસવાટ કરતી બે બાંગ્લાદેશી મહિલાઓને કોર્ટે ફરમાવી સજા
- થાણેમાંથી પોલીસે વર્ષ 2024માં બંને મહિલાઓની કરી હતી ધરપકડ
- અદાલતે બંને મહિલાઓને સજાની સાથે દંડ પણ ફટકાર્યો
- સજા પૂર્ણ થયા બાદ બંનેને બાંગ્લાદેશ પરત મોકલી આપવા નિર્દેશ
મુંબઈ, 15 જુલાઈ 2026: દેશમાં ગેરકાયદેસર વસવાટ કરતા નાગરિકોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. દરમિયાન મુંબઈના થાણેમાં સ્થાનિક અદાલતે ગેરકાયદે વસવાટ કરવાના કેસમાં બે બાંગ્લાદેશી મહિલાઓને ગુનેગાર ઠરાવીને બે-બે વર્ષની સજા ફરમાવી છે. તેમજ સજા પૂર્ણ થયા બાદ તેમને પરત તેમના દેશ બાંગ્લાદેશ મોકલી આપવા નિર્દેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના થાણેમાં પોલીસે ડિસેમ્બર 2024માં મીરા રોડ વિસ્તારમાં ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડ્યાં હતા. આ દરમિયાન બે મહિલાઓને શંકાના આધારે ઝડપી પાડી હતી. પોલીસની તપાસમાં બંને મહિલા બાંગ્લાદેશી હોવાનું ખુલ્યું હતું. તેમજ તેમની પાસેથી ભારતમાં પ્રવેશના કોઈ દસ્તાવેજ મળી આવ્યાં ન હતા. આ બંને મહિલાઓ મકાન ભાડે રાખીને વસવાટ કરતી હતી.
બંને બાંગ્લાદેશી મહિલાઓ સામે થાણેની સ્થાનિક અદાલતમાં કેસ ચાલ્યો હતો. સુનાવણીના અંતે અદાલતે બંને મહિલાઓને ગેરકાયદે વસવાટ કરવાના કેસમાં કસુરવાર ઠરાવી હતી. તેમજ બંને મહિલાઓને બે-બે વર્ષની સજાની સાથે રૂ. 10-10 હજારનો દંડ ફટકાર્યો હતો. સજા પૂર્ણ થયા બાદ બંને મહિલાઓને સલામત રીતે તેમના દેશ બાંગ્લાદેશ મોકલી આપવા પણ કોર્ટે આદેશ કર્યો છે.


