1. Home
  2. revoinews
  3. “દીકરો તો અમર થઈ ગયો, હવે આ શર્ટ તું પહેરી લે બેટા”
“દીકરો તો અમર થઈ ગયો, હવે આ શર્ટ તું પહેરી લે બેટા”

“દીકરો તો અમર થઈ ગયો, હવે આ શર્ટ તું પહેરી લે બેટા”

0
Social Share

હેમંત પરમાર દ્વારા
કેટલીક વાર્તાઓ માત્ર વાંચવા માટે નથી હોતી, તેને હૃદયથી અનુભવવી પડે છે. કેટલીક ઘટનાઓ આંખોને ભીની કરી દે છે, તો કેટલીક હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો એવો જ્વાળામુખી પ્રગટાવે છે કે શબ્દો પણ મૌન બની જાય છે. આવી જ એક હૃદયસ્પર્શી ઘટના કારગિલ યુદ્ધના અમર શહીદ કેપ્ટન વિક્રમ બત્રાના પરિવાર સાથે જોડાયેલી છે.

પિતાનો ભાવુક પત્ર અને રક્ષા મંત્રાલયનો નિર્ણય

આશરે બાવીસ વર્ષ પહેલાં, હિમાચલ પ્રદેશના એક નાનકડા ગામમાંથી ભારતના રક્ષા મંત્રાલયને એક પત્ર મળ્યો. પત્ર લખનાર એક સાદા, સંસ્કારી અને સ્વાભિમાની શિક્ષક હતા. તેઓ સરકાર પાસે કોઈ સત્તા, સગવડ કે વિશેષ અધિકાર નહોતા માંગતા. તેમની માત્ર એક જ નમ્ર વિનંતી હતી કે, “જો શક્ય હોય તો મને અને મારી પત્નીને એ સ્થળ જોવા દો, જ્યાં અમારા પુત્રે દેશ માટે પોતાના પ્રાણ અર્પણ કર્યા હતા. જો આ વિનંતી રાષ્ટ્રીય સુરક્ષાના નિયમો વિરુદ્ધ હોય તો કૃપા કરીને અમારી અરજી રદ માનશો. અમને કોઈ ફરિયાદ નહીં હોય.”

પત્રની દરેક પંક્તિમાં માતા-પિતાની વ્યથા સાથે દેશપ્રેમ અને શિસ્ત પણ છલકાતી હતી. રક્ષા મંત્રાલયના એક સંવેદનશીલ અધિકારીએ આ પત્ર વાંચીને નિર્ણય લીધો કે જે માતા-પિતાએ દેશને આવો વીર પુત્ર આપ્યો હોય, તેમના સન્માન અને ઈચ્છા સામે કોઈપણ સરકારી ખર્ચ નજીવો છે. તેથી તેમને સન્માનપૂર્વક ત્યાં લઈ જવાની મંજૂરી આપવામાં આવી.

કારગિલ બેઝ કેમ્પની મુલાકાત અને પવિત્ર માટીની ભેટ

દ્રાસમાં આવેલું કેપ્ટન વિક્રમ બત્રાનું શહીદી સ્થળ પોઈન્ટ ૪૮૭૫ અંદાજે ૧૭,૫૦૦ ફૂટની અતિશય ઊંચાઈ પર હોવાથી, શારીરિક પ્રતિકૂળતાને કારણે કેપ્ટનના માતા-પિતા, શ્રી ગિરધારીલાલ બત્રા અને સ્વર્ગસ્થ કમલકાંતા બત્રા ત્યાં સુધી જવા અસમર્થ હતાં. આથી, તેઓએ વર્ષ ૨૦૦૨માં કારગિલ બેઝ કેમ્પની મુલાકાત લીધી. ત્યાંના કોર્પ્સ કમાન્ડરે આ આદરણીય દંપતીને આદરપૂર્વક પોઈન્ટ ૪૮૭૫ અને તોલોલિંગ પર્વતની પવિત્ર માટી ભેટ સ્વરૂપે અર્પણ કરી.

સૈન્ય છાવણીમાં ભાવુક સ્વાગત અને સાથી અધિકારીની મુલાકાત

જ્યારે આ વૃદ્ધ દંપતી બેઝ કેમ્પ પહોંચ્યું, ત્યારે ત્યાં હાજર દરેક જવાન અને અધિકારી આદરપૂર્વક ઊભા થઈ ગયા. સમગ્ર વાતાવરણમાં મૌન હતું, પરંતુ તે મૌન પણ જાણે હજારો સલામીઓ આપી રહ્યું હતું.

તે જ સમયે એક સૈન્ય અધિકારી ફૂલોનો ગુચ્છ લઈને આગળ આવ્યા. તેમણે નમ્રતાપૂર્વક માતા-પિતાના ચરણસ્પર્શ કર્યા, તેમની આંખોના આંસુ લૂછ્યા અને પ્રણામ કર્યા. શિક્ષક પિતાએ આશ્ચર્યથી પૂછ્યું કે “બેટા, તું તો અધિકારી છે. મારા પગ કેમ સ્પર્શે છે?”
અધિકારીએ ધીમા પરંતુ ગર્વભર્યા અવાજમાં કહ્યું કે, “સર, હું એ જ જવાન છું, જે તમારા પુત્ર સાથે છેલ્લી ક્ષણ સુધી યુદ્ધમોરચે હતો. મેં તેમની વીરતા પોતાની આંખે જોઈ છે.”

રણમેદાનની શૌર્યગાથા

ત્યારબાદ તે અધિકારીએ કારગિલના એ રક્તરંજિત યુદ્ધની રોમાંચક ક્ષણો યાદ કરતાં કહ્યું, “દુશ્મન સતત એલ.એમ.જી. અને ભારે મશીનગનથી ગોળીબાર કરી રહ્યો હતો. અમે પાંચ જવાનો એક ખડક પાછળ આશરો લઈને બેઠા હતા. મેં કહ્યું, “સર, હું ડેથ ચાર્જ માટે જઈશ અને દુશ્મનના બંકર સુધી પહોંચી ગ્રેનેડ ફેંકીશ.”

પણ તમારા પુત્રે તરત જ મને અટકાવ્યો અને કહ્યું, “તું નહીં જાય. તારી પત્ની અને બાળકો છે. હું હજી અવિવાહિત છું, એટલે હું જઈશ. તું મને અહીંથી કવર આપ.”

એમ કહી તેમણે મારા હાથમાંથી ગ્રેનેડ લઈ લીધો અને ગોળીઓના ભારે વરસાદ વચ્ચે પણ વીજળીની ઝડપે દુશ્મન તરફ દોડી ગયા. અનેક ગોળીઓ તેમના શરીરમાં વાગી, છતાં તેઓ અટક્યા નહીં. તેઓ બંકર સુધી પહોંચ્યા, ગ્રેનેડ ફેંક્યો અને દુશ્મનનું બંકર ધ્વસ્ત કરી દીધું. તેમનો આ હુમલો સફળ રહ્યો અને આખો વિસ્તાર ફરી ભારતીય સેનાના કબજામાં આવી ગયો.”

કેપ્ટનના અંતિમ શબ્દો અને અમરત્વ

અધિકારીનો અવાજ હવે ધ્રૂજી રહ્યો હતો, તેમણે આગળ કહ્યું, “સર, ત્યારબાદ મેં તમારા પુત્રને મારી હાથમાં ઉઠાવ્યા હતા ત્યારે તેમના શરીરમાં ૪૨ ગોળીઓ વાગી હતી. છેલ્લો શ્વાસ લેતા તેમણે ગર્વથી માત્ર એટલું જ કહ્યું, યે દિલ માંગે મોર, જય હિંદ. અને આ જ શબ્દો સાથે ભારત માતાનો એ વીર સપૂત હંમેશા માટે અમર બની ગયો.”

પિતાની અનમોલ ભેટ

આ વીરતાની કહાની સાંભળીને ત્યાં હાજર દરેક જવાનની આંખો ભીની થઈ ગઈ. કેપ્ટનના માતા નિઃશબ્દ રડી રહ્યા હતા, પરંતુ પિતા હજુ પણ અડગ ઊભા હતા. થોડી ક્ષણો પછી તેમણે પોતાના થેલામાંથી એક નવું શર્ટ બહાર કાઢ્યું અને ધીમા સ્વરે તે અધિકારીને કહ્યું, “આ શર્ટ મેં મારા દીકરા વિક્રમ માટે ખરીદ્યું હતું. વિચાર્યું હતું કે જ્યારે તે રજા પર ઘરે આવશે ત્યારે પહેરશે. પણ હવે તે ક્યારેય પાછો નહીં આવે. હું આ શર્ટ અહીં મૂકવા લાવ્યો હતો, જ્યાં તે શહીદ થયો હતો. પણ હવે બેટા, તું જ આ શર્ટ પહેરી લે. મને લાગશે કે મારો વિક્રમ જ તેને પહેરી રહ્યો છે.”

આ સાંભળીને ત્યાં હાજર દરેક જવાન રડી પડ્યા. પર્વતો અને પવન પણ જાણે થોડી ક્ષણો માટે થંભી ગયા.

કારગિલનો એ શૂરવીર આજે પણ કરોડો ભારતીયોના હૃદયમાં જીવંત છે. તેમના પિતા ગિરધારી લાલ બત્રા અને માતા કમલ કાંતા બત્રાએ સમગ્ર રાષ્ટ્રને એક એવો વીર દીકરો આપ્યો, જેના શૌર્યની ગાથા આવનારી પેઢીઓ સુધી ગવાતી રહેશે. આજે પણ જ્યારે કારગિલ વિજયની વાત થાય છે, ત્યારે કેપ્ટન વિક્રમ બત્રાનો સિંહગર્જના જેવો અવાજ આખા દેશના હૃદયમાં ગુંજી ઉઠે છે, “યે દિલ માંગે મોર, જય હિંદ.”

માતૃભૂમિ માટે સર્વસ્વ અર્પણ કરનાર પરમવીર શહીદ કેપ્ટન વિક્રમ બત્રાને તેમના શહીદ દિવસ ૭ જુલાઈ નિમિત્તે રિવોઈ પરિવાર તરફથી ભાવભીની કોટિ કોટિ શ્રદ્ધાંજલિ અને શત શત વંદન. વંદે માતરમ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code