1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખેડૂત અને ખેતીની આત્મનિર્ભરતા માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય: રાજ્યપાલ
ખેડૂત અને ખેતીની આત્મનિર્ભરતા માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય: રાજ્યપાલ

ખેડૂત અને ખેતીની આત્મનિર્ભરતા માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય: રાજ્યપાલ

0

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ખેડૂત અને ખેતીની આત્મનિર્ભરતા આવશ્યક છે અને એ માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે.

આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે જૂનાગઢ ખાતે યોજાયેલી ખેડૂતોની કાર્યશાળાને સંબોધતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ દેશની ખાધ્યાન્નની જરૂરિયાતને પુરી કરવા હરિત ક્રાતિના માધ્યમથી રાસાયણિક કૃષિ એ સમયની માંગ હતી. પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સાથે આવી રહ્યા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જળ-જમીન અને પર્યાવરણ દુષિત થઇ ગયા છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન સતત ઘટવાને કારણે જમીન બંજર બનતી જાય છે. રાસાયણિક કૃષિમાં કૃષિ ખર્ચ સતત વધી રહ્યો છે. અને ઉત્પાદન દિન-પ્રતિદિન  ઘટતું જાય છે. જેના પરિણામે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. રાસાયણિક કૃષિથી ઉત્પાદિત ખાદ્યાન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીઝ જેવા અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે.

રાજ્યપાલએ એમ પણ જણાવ્યું હતું કે, નિષ્ણાંતો માની રહ્યા છે કે, ગ્લોબલ વોર્મિગની સમસ્યા માટે રાસાયિક કૃષિનો ૨૪ ટકા જેટલો ફાળો રહેલો છે. રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબુત વિકલ્પ હોવાનું જણાવી રાજ્યપાલશ્રીએ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તેઓ અનુરોધ પણ કર્યો હતો. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ચાલી રહ્યું છે. જેમાં રાજ્ય સરકાર, જિલ્લા વહિવટી તંત્ર, સહકારી બેન્કો અને આત્મા પરિયોજના દ્વારા અનેકવિધ સ્તરે પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશભરનું મોડેલ સ્ટેટ બનશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ જેટલા સુક્ષ્મ જીવાણું હોય છે. આ પદ્વતિમાં એક દેશી ગાયની મદદથી 30 એકર ભૂમિમાં ખેતી થઇ શકે છે. ગાયનું ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ-ગૌ મૂત્ર, દાળનું બેસન, ગોળ અને માટીના મિક્ષણથી બનતા જીવામૃત-ઘનજીવામૃત પ્રાકૃતિક કૃષિ પદ્વતિમાં પ્રાકૃતિક ખાતર તરીકે કાર્ય કરે છે. જેનાથી જમીનમાં સુક્ષ્મજીવો અને અળસિયાં જેવા મિત્રજીવોની વૃદ્વિ થાય છે અને જમીન ફળદ્વુપ બને છે.

અળસિયાં જમીનમાં અસંખ્ય છેદ બનાવે છે. જેનાથી જમીનને ઓકસીજન મળે છે અને કુદરતી રીતે જળસંચય પણ થાય છે. આ કૃષિ પદ્વતિમાં જમીનને કૃષિ અવશેષોથી ઢાંકવા માટે આચ્છાદન અર્થાત્ મલ્ચીંગ કરવામાં આવે છે. જેનાથી જમીનને ઉંચા તાપમાન સાથે રક્ષણ મળે છે. જમીનનો ઓર્ગેનીક કાર્બન હોવામાં ઉડતો અટકે છે અને જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે તેમણે પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાકના મહત્વને પણ સમજાવ્યું  હતુ.

રાજયપાલએ જૈવિક કૃષિ અથાત ઓર્ગેનિક કૃષિને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી  સાવ અલગ ગણાવી ઉમેર્યુ હતું કે, ઓર્ગેનીક કૃષીમાં કૃષી ખર્ચ ઘટતો નથી. નીંદામણની સમસ્યાનો હલ થતો નથી. અને ઉત્પાદન પણ શરૂઆતના વર્ષોમાં ઘટે છે. જયારે પ્રાકૃતિક કૃષિ પદ્ધતીમાં કૃષિ ખર્ચ નહીવત થાય છે અને ઉત્પાદન ઘટતું નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code