પાક. સરહદે કેન્દ્રની ઝીરો ટોલરન્સ નીતિ: બાડમેરમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું
જયપુર, 19 જૂન 2026: કેન્દ્ર સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ગૃહ મંત્રાલયના કડક નિર્દેશો હેઠળ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદથી 15 કિલોમીટરના દાયરામાં આવેલા કથિત ગેરકાયદેસર બાંધકામો સામે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સંયુક્ત કાર્યવાહીમાં જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક પોલીસ અને સરહદ સુરક્ષા દળની ટીમો સામેલ થઈ હતી. આ સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને અભેદ્ય બનાવવાના હેતુથી બાડમેર જિલ્લાના ગડરા રોડ અને ચૌહટન સબ-ડિવિઝનના સરહદી ગામોમાં આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા આ અગાઉ સઘન સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને સંબંધિત લોકોને 18 જૂન સુધીમાં ગેરકાયદેસર બાંધકામો હટાવી લેવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.
ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી નિર્ધારિત સમયસીમા ગુરુવારે પૂર્ણ થતાં જ સંયુક્ત ટીમે ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની અને હટાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઓપરેશન દરમિયાન હમીરાણી, માલાના, કેરકોરી, ચૌહટન, ભાલગામ અને ડેમ્બા સહિતના અનેક સંવેદનશીલ સરહદી ગામોમાં પાકા બાંધકામોની કાયદેસરતાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી સરહદ સુરક્ષાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાનનો એક મહત્વનો ભાગ છે. વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ એવા સરહદી વિસ્તારોમાં કોઈપણ અનધિકૃત બાંધકામને મંજૂરી આપી શકાય નહીં. તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ અને પ્રભાવિત પક્ષોને પૂરતો સમય આપ્યા બાદ જ આ આકરા પગલાં લેવાયા છે.
-
સરહદી જિલ્લાઓ બન્યા ‘સ્પેશિયલ વોચ ઝોન’
ગૃહ મંત્રાલયના નિર્દેશો બાદ સરહદ પારથી થતી ઘૂસણખોરી, ડ્રોન દ્વારા થતી હથિયારો અને ડ્રગ્સની તસ્કરી તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ રોક લગાવવા માટે એક વ્યાપક સુરક્ષા પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ સુરક્ષા યોજના અંતર્ગત રાજસ્થાનના ચાર અતિ સંવેદનશીલ સરહદી જિલ્લાઓને ‘સ્પેશિયલ વોચ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બાડમેર, જેસલમેર, બીકાનેર અને શ્રીગંગાનગરનો સાવેસ થાય છે. આ વિશેષ વિસ્તારોમાં BSF, જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય તેમજ રાજ્યની ગુપ્તચર એજન્સીઓ એકીકૃત કમાન્ડ સિસ્ટમ હેઠળ સાથે મળીને કામ કરશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી 50 કિલોમીટરના દાયરામાં તમામ ગતિવિધિઓ પર કડક દેખરેખ રાખવાનો અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને સમયસર રોકવાનો છે.


