Site icon Revoi.in

પ્રયાગરાજઃ કુંભ મેળાની તડામાર તૈયારીઓ, 43 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી શકયતા

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર 2025 માં 12 વર્ષ બાદ મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન કરવામાં આવશે. મહાકુંભની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મહાકુંભ મેળામાં લગભગ 43 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે અને સંગમથી મહાકુંભ સુધીની તમામ વિકાસ પ્રવૃત્તિઓ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જેઓ મહાકુંભ મેળા 2025 ની તૈયારીઓ પર સક્રિયપણે દેખરેખ રાખી રહ્યા છે. તેમણે અધિકારીઓને આ કાર્યક્રમમાં ભાગ લેનારા ભારત અને વિદેશના તીર્થયાત્રીઓને એકીકૃત અનુભવ પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો છે. PWD એ પણ તેની ગતિ વધારી છે અને પોન્ટૂન બ્રિજ તેમજ રસ્તાઓના નવીનીકરણનું કામ પણ વેગ પકડી રહ્યું છે. 1 ડિસેમ્બર સુધી PWD દ્વારા 27 રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના રસ્તાઓના નવીનીકરણની કામગીરી 10મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 

તેવી જ રીતે 17 રસ્તાઓના બ્યુટીફિકેશનની કામગીરી પણ 5 મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. નોંધનીય છે કે PWD પાસે કુલ 89 પ્રોજેક્ટ્સ છે, જેમાંથી લગભગ 60 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે બાકીના પ્રોજેક્ટ 10 ડિસેમ્બર સુધીમાં પૂરા કરવાનો લક્ષ્યાંક છે. સીએમ યોગીએ મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને ખાતરી આપી હતી કે કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓ નિર્ધારિત સમય કરતાં એક મહિના પહેલા 10 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે પ્રયાગરાજ આવશે. અહીં પીએમ મોદી માતા ગંગાની આરતી કરશે અને અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.