Homeગુજરાતીગુજરાતગુજરાતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ્સ: રાજ્યના 225 તાલુકામાં વરસાદ, બોરસદમાં 5.34 વરસાદ નોંધાયો

ગુજરાતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ્સ: રાજ્યના 225 તાલુકામાં વરસાદ, બોરસદમાં 5.34 વરસાદ નોંધાયો

અમદાવાદ, 14 સપ્ટેમ્બર 2026: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના તાજા આંકડા અનુસાર, આજે સવારે 6.00 વાગ્યાથી બપોરના 2.00 વાગ્યા સુધીના 8 કલાકમાં રાજ્યના 225 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આજે મેઘરાજાએ મધ્ય ગુજરાત, અમદાવાદ, ખેડા, આણંદ અને અરવલ્લી જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં આણંદના બોરસદ તાલુકામાં સૌથી વધુ 5.43 ઈંચ વરસાદ નોંધાયો છે.

આજના વરસાદી આંકડા પર નજર કરીએ તો, આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સવારે 8 થી 10 વાગ્યાના માત્ર બે જ કલાકમાં 110 મીમી (અંદાજે 4.3 ઈંચ) વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ બપોરે 2 વાગ્યા સુધીમાં બોરસદમાં કુલ 138 મીમી (5.43 ઈંચ) વરસાદ વરસ્યો હતો. અમદાવાદના ધોળકા તાલુકામાં 102 મીમી અને વડોદરાના કરજણમાં 100 મીમી વરસાદ નોંધાયો હતો. ધોળકા અને કરજણ બંને તાલુકાઓમાં સવારે 8 થી 12 વાગ્યા દરમિયાન જ ધોધમાર વરસાદ વરસી ગયો હતો.

અમદાવાદ જિલ્લાના દસક્રોઈમાં 89 મીમી, જ્યારે અમદાવાદ શહેરમાં 84 મીમી વરસાદ નોંધાયો હતો. સવારે 10 વાગ્યા પછી અમદાવાદ શહેર અને દસક્રોઈમાં વરસાદની તીવ્રતા વધી હતી. આ ઉપરાંત બાવળામાં 54 મીમી અને ધંધુકામાં 51 મીમી વરસાદ નોંધાયો છે. ખેડા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ રહ્યો છે, જેમાં નડિયાદમાં 87 મીમી, માતરમાં 82 મીમી, મહેમદાવાદમાં 69 મીમી અને ખેડા તાલુકામાં 58 મીમી વરસાદ ખાબક્યો છે.

  • મધ્ય અને ઉત્તર ગુજરાતની સ્થિતિ

પંચમહાલના ગોધરામાં સવારે 6 થી 8 ના પ્રારંભિક બે કલાકમાં જ 84 મીમી વરસાદ સાથે કુલ 86 મીમી વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મેઘરજમાં 71 મીમી, સાબરકાંઠાના હિંમતનગરમાં 70 મીમી, બાયડમાં 68 મીમી અને વડોદરા શહેરમાં 65 મીમી વરસાદ વરસી ચૂક્યો છે. મહેસાણાના વિજાપુરમાં બપોરે 10 થી 2 વાગ્યા દરમિયાન 77 મીમી વરસાદ પડ્યો છે.

  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાં

દક્ષિણ ગુજરાતમાં નવસારીના ગણદેવીમાં 74 મીમી, ભરૂચના વાગરામાં 61 મીમી અને સુરત શહેરમાં 50 મીમી વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢના માળિયા હાટીનામાં 61 મીમી અને ભાવનગરના મહુવામાં 58 મીમી વરસાદ પછડાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બપોર બાદ પણ વાદળછાયું વાતાવરણ જળવાઈ રહ્યું હતુ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular