રાજકુમાર રાવનો નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ, બદલાયેલા અંદાજમાં જોવા મળ્યો એક્ટર
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2026: બોલિવૂડના ટેલેન્ટેડ એક્ટર રાજકુમાર રાવ અવારનવાર પોતાની એક્ટિંગ અને લુકને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં મુંબઈમાં કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા દ્વારા આયોજિત ‘બોલતી ખિડકિયાં’ ફિલ્મ ફેસ્ટિવલમાં રાજકુમાર રાવે હાજરી આપી હતી. જોકે, આ વખતે ફેન્સનું ધ્યાન તેની હાજરી કરતા તેના બદલાયેલા લુક પર વધુ ખેંચાયું હતું. આ ઇવેન્ટના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે.
વાયરલ વીડિયો અનુસાર, રાજકુમાર રાવે ખૂબ જ સાદગીપૂર્ણ લુક પસંદ કર્યો હતો. તેણે બ્લેક કલરના શર્ટ અને જીન્સ સાથે સફેદ શૂઝ અને ચશ્મા પહેર્યા હતા. જોકે, સૌથી મોટો ફેરફાર તેના ચહેરા પર જોવા મળ્યો હતો. અત્યાર સુધી મોટે ભાગે ક્લીન શેવ લુકમાં જોવા મળતો રાજકુમાર આ વખતે દાઢી અને મૂછમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત, તેના વાળની સ્ટાઈલ પણ પહેલા કરતા અલગ અને થોડી પાતળી દેખાઈ રહી હતી.
રાજકુમાર રાવના આ ટ્રાન્સફોર્મેશનને જોઈને નેટીઝન્સ હેરાન રહી ગયા છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યૂઝરે કમેન્ટ કરી કે, “અરે, રાજકુમાર રાવના વાળ ક્યાં ગયા?” જ્યારે અન્ય એક યૂઝરે ફરાહ ખાન સાથેના તેના પોઝ જોઈને રમૂજી કમેન્ટ્સ કરી હતી. આ ઇવેન્ટમાં રાજકુમાર ખૂબ જ શાંત અને ખુશ દેખાતો હતો અને તેણે કેમેરા સામે હસીને પોઝ પણ આપ્યા હતા.
ચર્ચાઓ મુજબ, રાજકુમાર રાવ ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિકમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચ 2026 ની આસપાસ શરૂ થવાની ધારણા છે. એવું માનવામાં આવે છે કે રાજકુમારનો આ નવો લુક ફિલ્મમાં તેના પાત્રની જરૂરિયાત મુજબ હોઈ શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ અમદાવાદ અને વડોદરાની 33 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ દોડી ગયા


