1. Home
  2. ગુજરાતી
  3. સરહદ પર જવાનોની સુરક્ષા થશે અભેદ્ય: ભારતીય સેના 159 અત્યાધુનિક બુલેટપ્રૂફ ટ્રુપ કેરિયર ખરીદશે
સરહદ પર જવાનોની સુરક્ષા થશે અભેદ્ય: ભારતીય સેના 159 અત્યાધુનિક બુલેટપ્રૂફ ટ્રુપ કેરિયર ખરીદશે

સરહદ પર જવાનોની સુરક્ષા થશે અભેદ્ય: ભારતીય સેના 159 અત્યાધુનિક બુલેટપ્રૂફ ટ્રુપ કેરિયર ખરીદશે

0
Social Share

નવી દિલ્હી: ભારતીય સેના તેની ઓપરેશનલ ક્ષમતા અને જવાનોની સુરક્ષામાં વધારો કરવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા સંવેદનશીલ અને દુર્ગમ વિસ્તારોમાં તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટ્સ માટે સેનાએ 159 નવા બુલેટપ્રૂફ ટ્રુપ કેરિયર ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે. સેનાએ આ માટે રિક્વેસ્ટ ફોર ઇન્ફોર્મેશન જાહેર કરી છે.

આ નવા બુલેટપ્રૂફ ટ્રુપ કેરિયર્સ 4×4 આર્મર્ડ વાહનો હશે, જે ખાસ કરીને આતંકવાદ વિરોધી ઓપરેશન અને પહાડી વિસ્તારો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ વાહનમાં ડ્રાઈવર અને કો-ડ્રાઈવર સહિત કુલ 30 જવાનો બેસી શકશે. વાહનનું કુલ વજન 20 ટનથી ઓછું હશે અને તે 3 ટન સુધીનો ભાર વહન કરી શકશે. પથરાળ રસ્તાઓ માટે ઓછામાં ઓછું 200 મીમી ગ્રાઉન્ડ ક્લિયરન્સ હશે.

લદ્દાખની કડકડતી ઠંડી અને જમ્મુ-કાશ્મીરના પહાડોને ધ્યાનમાં રાખીને તેની સ્પીડ અને રેન્જ નિર્ધારિત કરવામાં આવી છે. આ વાહન રોડ પર 80-100 કિમી/કલાક અને ઓફ-રોડ 50-75 કિમી/કલાક દોડી શકશે. મેદાનોમાં 350 કિમી અને પહાડોમાં 300 કિમી સુધી સતત દોડી શકશે. દરિયાઈ સપાટીથી 5,000 મીટરની ઊંચાઈએ અને -10°C થી +40°C સુધીના તાપમાનમાં પણ આ વાહનો દમદાર પ્રદર્શન કરશે.

આ વાહનોની સૌથી મોટી વિશેષતા તેની સુરક્ષા છે. તેમાં નાટો સ્ટેનગ લેવલ-3 મુજબનું કવચ હશે, જે 7.62 મીમીની આર્મર-પિયર્સિંગ (કવચ ભેદતી) ગોળીઓ અને બોમ્બ બ્લાસ્ટ સામે જવાનોને રક્ષણ આપશે. વાહનની છત, કાચ અને નીચેનો ભાગ સંપૂર્ણ બુલેટપ્રૂફ હશે. ઉપરાંત, છત પર 360 ડિગ્રી ફરતું ‘ગનર હેચ’ હશે જેમાં 7.62 મીમીની મશીનગન લગાવી શકાશે. વાહનની દરેક બાજુએ 4 ફાયરિંગ પોર્ટ્સ પણ આપવામાં આવશે.

વર્તમાનમાં રાષ્ટ્રીય રાઈફલ્સ પાસે જે જૂના અને મર્યાદિત ક્ષમતા ધરાવતા વાહનો છે, આ નવા કેરિયર્સ તેમનું સ્થાન લેશે. સેનાના આધુનિકીકરણના આ અભિયાનથી હાઈ-રિસ્ક વિસ્તારોમાં ઓપરેશન વધુ સુરક્ષિત અને અસરકારક બનશે. કોન્ટ્રાક્ટ મળ્યા બાદ દર વર્ષે ઓછામાં ઓછા 60 વાહનો ડિલિવર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ડ્રગ નેટવર્કનો આકા સલીમ ડોલા તુર્કિયેમાં હમઝા બની છુપાયો હતો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code