રાધવ ચઢ્ઢા સહિતના સાત સાંસદોએ જનતાનો ભરોસો તોડ્યોઃ સંજ્યસિંહ
નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ)ની સ્થાપનાના 12 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ સહિત કુલ સાત રાજ્યસભા સાંસદોએ ‘ઝાડુ’નો સાથ છોડી કેસરીયો ધારણ કરી લીધો છે. આ ઘટનાક્રમ બાદ પંજાબ અને દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાઘવ ચઢ્ઢાના રાજીનામા બાદ પક્ષ તરફથી પ્રથમ પ્રતિક્રિયા આપતા રાજ્યસભા સાંસદ સંજય સિંહે ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, “ભાજપ ‘ઓપરેશન લોટસ’ દ્વારા પંજાબમાં ગંદી રાજનીતિ કરી રહી છે. પંજાબની ભગવંત માન સરકાર શાનદાર કામ કરી રહી છે, તેને તોડવા માટે ઈડી અને સીબીઆઈનો ડર બતાવીને સાંસદોને તોડવામાં આવ્યા છે.”
સંજય સિંહે પક્ષ છોડનારા નેતાઓના નામ લઈને રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે, રાઘવ ચઢ્ઢાને પાર્ટીએ ધારાસભ્ય અને સાંસદ બનાવ્યા, જનતાએ ભરપૂર પ્રેમ આપ્યો, છતાં તેઓ ભાજપના ખોળામાં જઈ બેઠા.” સંદીપ પાઠકને પક્ષે મોટી જવાબદારીઓ આપી રાજ્યસભા મોકલ્યા, તેમણે જ વિશ્વાસઘાત કર્યો. તેમજ હરભજન સિંહ, બલબીર સિંહ, અશોક મિત્તલ, રાજેન્દ્ર ગુપ્તા અને સ્વાતિ માલીવાલ જેવા નેતાઓએ પંજાબની પીઠમાં ખંજર ભોંક્યું છે. સંજય સિંહે ભાવુક થતા ઉમેર્યું કે, “આ સાતેય નેતાઓના નામ પંજાબના લોકોએ યાદ રાખવા જોઈએ. આ લોકોએ જનતાના ભરોસાને તોડ્યો છે અને આગામી ચૂંટણીમાં જનતા તેમને પાઠ ભણાવશે.”
પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, “ભાજપે ફરી એકવાર પંજાબના લોકો સાથે દગો કર્યો છે.” તેમણે પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામ કરતી સરકારને તોડવાનું આ ઘૃણાસ્પદ કૃત્ય છે. એકસાથે સાત સાંસદોનું ભાજપમાં જોડાવું એ આમ આદમી પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન બની ગયું છે. રાજકીય વિશ્લેષકો આને દેશમાં આપના સૌથી મોટા વિભાજન તરીકે જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ પક્ષપલટા બાદ પંજાબની ભગવંત માન સરકાર પર કેવી અસર પડે છે.


