વડોદરા, 24 એપ્રિલ 2026: Biker dies after being hit by dumper જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ પાદરા-જંબુસર હાઈવે પર સર્જાયો હતો. પાદરા તાલુકાના ફુલબાગ જકાતનાકા પાસે ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈકચાલક દિલીપભાઈ પટેલ(ઉંમર વર્ષ 56)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, પાદરા-જંબુસર હાઈવે પર ફુલબાગ જકાત નાકા નજીક બાઈક ચાલક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઈક ડમ્પરની નીચે આવી જતા બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ અકસ્માતના દૃશ્યો જોઈ લોકો પણ ચોંકી ઊઠ્યા હતા. અકસ્માતને લઈ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ડમ્પરના આગળના ભાગમાં બાઈક આખે આખી ઘૂસી ગઈ હતી અને ચાલક દિલીપભાઈ ડમ્પરમાં આગળના ભાગમાં આવી જતા ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જે દમ તોડી દીધો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક દિલીપભાઈ પટેલને ડમ્પર નીચેથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે પાદરા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
આ અકસ્માતની ઘટનામાં ફરી એકવાર ભારદારી વાહનચાલકની બેદરકારી સામે આવી છે. આ મામલે પોલીસે ડમ્પર ચાલક સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


