ઓડિશાના ચાંદીપુરમાંથી અગ્નિ-1 બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ: ભારતની સૈન્ય તાકાતમાં વધારો
ભુવનેશ્વર, 23 મે 2026: ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મોટી સફળતા હાસલ કરીને પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું છે. ઓડિશાના ચાંદીપુર ખાતે આવેલા ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી ૨૨ મે, ૨૦૨૬ના રોજ શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-1’નું સફળતાપૂર્વક પરીક્ષણ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સફળ પરીક્ષણથી ભારતની વ્યૂહાત્મક સંરક્ષણ પ્રણાલી વધુ મજબૂત બની છે.
સત્તાવાર અહેવાલ મુજબ, આ લોન્ચિંગ દરમિયાન મિસાઈલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણોની (પેરામીટર્સની) ખૂબ જ ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી, જેમાં મિસાઈલ સંપૂર્ણપણે ખરી ઉતરી છે. આ હાઈ-પ્રોફાઈલ પરીક્ષણ ભારતીય સેનાના ‘સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ’ના નેજા હેઠળ અત્યંત ગુપ્તતા અને ચોકસાઈ સાથે હાથ ધરવામાં આવ્યું હતું.
સંરક્ષણ નિષ્ણાતોના મતે, ‘અગ્નિ-1’ મિસાઈલનું આ સફળ પરીક્ષણ દેશની ન્યૂક્લિયર પ્રતિકારક શક્તિને જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ મિસાઈલ પૂર્વ-નિર્ધારિત લક્ષ્ય પર અચૂક નિશાન સાધવાની ક્ષમતા ધરાવે છે અને તે સેનામાં પહેલેથી જ સામેલ છે, પરંતુ તેની વિશ્વસનીયતા અને ઓપરેશનલ સજ્જતા ચકાસવા માટે સમયાંતરે આવા વપરાશકર્તા પરીક્ષણો કરવામાં આવે છે. આ સફળ લોન્ચિંગ બદલ સંરક્ષણ મંત્રાલય અને વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.


