T20 વિશ્વકપઃ ભારત મુદ્દે પાકિસ્તાનની નીતિ પર બાંગ્લાદેશ ભડક્યું
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: ટી20 વિશ્વકપ 2026ની શરૂઆત પહેલા જ ક્રિકેટ જગતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ 15 ફેબ્રુઆરીએ ભારત સામે રમાનારી હાઈવોલ્ટેજ ગ્રુપ મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનનો આ નિર્ણય માત્ર આઈસીસી (ICC) માટે જ નહીં, પરંતુ તેના સાથી ગણાતા બાંગ્લાદેશ માટે પણ આર્થિક મુસીબત બનીને આવ્યો છે. દરમિયાન પાકિસ્તાનના નિર્ણય ઉપર બાંગ્લાદેશ પણ ભડક્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર રમત નથી, પરંતુ ક્રિકેટ જગતનું સૌથી મોટું ‘આર્થિક એન્જિન’ છે. બ્રોડકાસ્ટ રાઈટ્સ, સ્પોન્સરશિપ અને ટિકિટના વેચાણ સહિત આ એક મેચની કિંમત અંદાજે 500 મિલિયન ડોલર આંકવામાં આવે છે. આ કમાણીનો મોટો હિસ્સો ICC ના ફંડમાં જાય છે, જે બાદમાં તમામ સભ્ય દેશોને વહેંચવામાં આવે છે. પાકિસ્તાનના બહિષ્કારને કારણે હવે આંગી આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
પાકિસ્તાને આ નિર્ણય બાંગ્લાદેશના સમર્થનમાં લીધો હોવાનો દાવો કર્યો છે, પરંતુ હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) માં જ અસંતોષના સૂર ઉઠ્યા છે. બાંગ્લાદેશી અખબાર ‘પ્રથમ આલો’ સાથેની વાતચીતમાં બીસીબીના વરિષ્ઠ નિર્દેશકે જણાવ્યું હતું કે, “જો ભારત-પાકિસ્તાન મેચ નહીં રમાય તો સમગ્ર ક્રિકેટ જગતને આર્થિક ફટકો પડશે. અમને મળતા ડિવિડન્ડમાં પણ ઘટાડો થશે. અમે આવું નુકસાન ઈચ્છતા નહોતા.”
બીસીબીના અન્ય એક અધિકારીએ ચિંતા વ્યક્ત કરી કે નાના દેશો કદાચ ઓછી રકમમાં સંમત થઈ જાય, પરંતુ બાંગ્લાદેશ જેવા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા બોર્ડ માટે આર્થિક ભંડોળમાં ઘટાડો પાયમાલ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે પાકિસ્તાનનો હેતુ ભારતીય ક્રિકેટના પ્રભુત્વને પડકારવાનો અને રાજકીય સંદેશ આપવાનો છે. જોકે, આ આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે ICC પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મળતા વાર્ષિક ફંડમાં કાપ મૂકી શકે છે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ અદાણી એનર્જી સોલ્યુશન્સ દ્વારા ડિસ્કોમ્સમાં ૧ કરોડ સ્માર્ટ મીટરનું સીમાચિહ્નરૂપ વિતરણ


