1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ: ઓનલાઇન ગેમિંગની આડમાં કરાતી હતી ભરતી
મહારાષ્ટ્રમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ: ઓનલાઇન ગેમિંગની આડમાં કરાતી હતી ભરતી

મહારાષ્ટ્રમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ: ઓનલાઇન ગેમિંગની આડમાં કરાતી હતી ભરતી

0
Social Share

મુંબઈ, 14 મે 2026: મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ રાજ્યભરમાં એક સાથે 50 સ્થળોએ દરોડા પાડીને મોટા આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (આઈએસઆઈ) માટે જાસૂસી કરવાના આરોપમાં મુંબઈ, પુણે અને નાગપુર સહિતના 9 જિલ્લાઓમાંથી 57 યુવકોની અટકાયત કરવામાં આવી છે. આ યુવકો દેશના મહત્વના સૈન્ય મથકો અને સરકારી ઇમારતોના વીડિયો અને ફોટા પાકિસ્તાન મોકલતા હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે.

એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે, વિદર્ભના ભંડારા અને ચંદ્રપુર જિલ્લામાં યુવાનોને આ ગેંગમાં જોડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવતું હતું. ભંડારાની એક મોબાઇલ શોપ દ્વારા યુવાનોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને લલચાવીને તેમને પાકિસ્તાન માટે જાસૂસી કરવા અને યુદ્ધ જેવી સ્થિતિ માટે તૈયાર રહેવાની તાકીદ કરવામાં આવતી હતી.

  • પાકિસ્તાની ગેંગસ્ટર સાથે જોડાયેલા 57 યુવકોની પૂછપરછ

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, આ નેટવર્કને નાના-નાના ‘મોડ્યુલર સેલ્સ’માં વહેંચવામાં આવ્યું હતું, જેથી એક ગ્રુપને બીજા ગ્રુપની જાણકારી ન રહે. શંકાસ્પદ યુવકોને સંવેદનશીલ સરકારી ઇમારતો અને જાહેર સ્થળોના ફોટા પાડવાના ટાસ્ક આપવામાં આવતા હતા. આ કામના બદલામાં યુવાનોને હવાલા નેટવર્ક અને સ્થાનિક વેપારીઓના બેંક ખાતા દ્વારા પૈસા ચૂકવવામાં આવતા હતા.

એટીએસએ કાર્યવાહી દરમિયાન અનેક મોબાઈલ અને ડિજિટલ ડિવાઈસ જપ્ત કર્યા છે. આ યુવકો પાકિસ્તાની હેન્ડલર્સ સાથે વાત કરવા માટે ડાર્ક વેબ અને ‘ઓટો-ડિલીટ’ મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત, ઓનલાઇન ગેમિંગ સર્વરની અંદર ખાનગી ચેટ રૂમ બનાવીને હથિયારોના ઉપયોગ અને સુરક્ષા વ્યવસ્થાથી બચવાની તાલીમ પણ આપવામાં આવતી હતી.

તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે ‘ડોગરા ગેંગ’ આ નેટવર્કને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડતી હતી. આ ગેંગ શંકાસ્પદો માટે રહેવાની વ્યવસ્થા, મુસાફરી અને જરૂર પડ્યે રાજ્યની બહાર ભાગી જવા માટે મદદ કરતી હતી. એટીએસની ટેકનિકલ ટીમને એવા સંકેતો મળ્યા છે કે આગામી મહિનાઓમાં રાજ્યના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવાનું મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. હાલમાં જપ્ત કરાયેલા ડિજિટલ ડિવાઈસની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં આ મામલે હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ કેરલમમાં મુખ્યમંત્રી તરીકે વીડી સતીશનની પસંદગી, રાજ્યપાલને મળીને સરકારનો દાવો કરશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code