મોરબી, 1 જુલાઈ 2026 : Demand for relief in gas prices for ceramic industry ખાડી યુદ્ધને લીધે ભારત સરકાર હસ્તકની ઓઈલ કંપનીઓએ પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો કર્યો હતો. તેના લીધે ઉદ્યોગ-ધંધાને વ્યાપક અસર પડી છે. મોરબીના સિરામિક ઉદ્યોગને પણ ખાડી યુદ્ધની સ્થિતિને લીધે નિકાસને અસર થતાં તેમજ સીએનજીના ભાવમાં વધારો થતા મંદીનો સામનો કરવો પડ્યો છે. હાલ પણ સિરામિક ઉદ્યોગ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી નેચરલ ગેસના ભાવમાં રાહત આપવા રજૂઆત કરી છે.
મોરબીના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી અમૃતિયાએ મોરબી સિરામિક ઉદ્યોગ એસોસિએશન દ્વારા કરાયેલી મૌખિક રજૂઆતના આધારે જણાવ્યું હતું કે, તાજેતરમાં ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત, વૈશ્વિક બજારમાં સિરામિક ઉત્પાદનોની માંગમાં પણ ઘટાડો નોંધાયો છે, જેના કારણે સિરામિક ઉદ્યોગ ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો કે, ભવિષ્યમાં યુદ્ધ સમાપ્ત થયા બાદ ખાડી દેશોમાં પુનઃનિર્માણના કાર્યો શરૂ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં સિરામિક ઉત્પાદનોની માંગ ફરી વધી શકે છે. આ તકનો લાભ લેવા અને મોરબીના સિરામિક ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવી રાખવા માટે નેચરલ ગેસના ભાવમાં મહત્તમ રાહત આપવી અત્યંત જરૂરી છે.
મંત્રી કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રીને આ મુદ્દે તાત્કાલિક અને યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે. આ પત્રની એક નકલ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મુખ્ય સચિવને પણ જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.


