પાલનપુર, 1 જુલાઈ 2026 : Two men arrested for cheating લોકોને સસ્તાભાવે સોનું આપવાનું કહીને અસલી સોનું બતાવી નકલી સોનું પધરાવીને છેતરપિંડી કરતી ઠગ ટોળકીના બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ એક વ્યક્તિને અસલી સોનું બતાવી વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ નકલી સોનાનો હાર પધરાવી રૂપિયા 2.20 લાખની ઠગાઈ કરી હતી. પોલીસે ગુનાનો 100% મુદ્દામાલ રિકવર કર્યો છે.
આ બનાવની વિગત એવી હતી કે, પાલનપુરની એક ખાનગી હોસ્પિટલના આઈ.સી.યુ.માં સારવાર માટે આવેલા મફાજી નામના વ્યક્તિને ગત 20 જૂન, 2026ના રોજ બે અજાણ્યા ઇસમો મળ્યા હતા. તેમણે મફાજીને જણાવ્યું કે તેમને ખોદકામ દરમિયાન સોનું મળ્યું છે, પરંતુ બિલ ન હોવાથી તેઓ તેને વેચી શકતા નથી. વિશ્વાસ કેળવવા માટે, આરોપીઓએ મફાજીને બે અસલી સોનાના મણકા આપ્યા હતા. મફાજીએ તે મણકા સોની પાસે ચેક કરાવતા તે અસલી હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી મફાજીને આરોપીઓ પર વિશ્વાસ બેસી ગયો હતો. અને મફાજીએ પોતાની બચતના રૂપિયા 2,20,000 રોકડા તે ઇસમોને આપ્યા હતા.અને બદલામાં, આરોપીઓએ તેમને સોનેરી રંગના નકલી સોનાના મણકાનો હાર આપ્યો હતો. મફાજીએ તે હાર ફરીથી સોનીની દુકાને ચેક કરાવતા તે પિત્તળની ધાતુનો હોવાનું બહાર આવ્યું હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા, મફાજીએ તાત્કાલિક પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગુના સ્થળની મુલાકાત લીધી. આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી, આરોપીઓની ભાષા અને ગુનો કરવાની ‘મોડસ ઓપરેન્ડી’ના આધારે તેમની ઓળખ પ્રસ્થાપિત કરી. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી અને પોલીસે તેમની પાસેથી ઠગાઈથી મેળવેલા ₹2,20,000 સંપૂર્ણપણે રિકવર કર્યા છે. આ આરોપીઓએ આ પ્રકારના અન્ય ગુના કર્યા છે કે કેમ અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ.તેની પૂછતાછ કરવામાં આવી રહી છે.


