1. Home
  2. ગુજરાતી
  3. E20 પેટ્રોલથી જૂની ગાડીઓને નુકસાનના કોઈ પુરાવા નથી, કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા
E20 પેટ્રોલથી જૂની ગાડીઓને નુકસાનના કોઈ પુરાવા નથી, કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા

E20 પેટ્રોલથી જૂની ગાડીઓને નુકસાનના કોઈ પુરાવા નથી, કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા

0
Social Share

નવી દિલ્હી, 30 જૂન 2026: કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે હાલમાં પેટ્રોલમાં ૨૦ ટકા એથેનોલ બ્લેન્ડિંગ (E20) કરવાનો પ્રયોગ ચાલી રહ્યો છે અને તેના ચોક્કસ પરિણામો આગામી વર્ષ સુધીમાં સામે આવી જશે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે કે પેટ્રોલમાં એથેનોલના મિશ્રણથી જૂના વાહનોના એન્જિનને નુકસાન થઈ શકે છે, તેવા સમયે સરકાર તરફથી આ મહત્વનું નિવેદન આવ્યું છે. સરકારે આ આશંકાઓને ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે E20 પેટ્રોલથી વાહનોને કોઈ મિકેનિકલ નુકસાન થાય છે તેવા કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. આ નીતિ દેશની ઉર્જા સુરક્ષા, ખેડૂતો અને પર્યાવરણ માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. એટોર્ની જનરલ આર. વેંકટરમણીએ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા કર્ણાટક હાઈકોર્ટના આદેશ સામે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં આ દલીલ કરી હતી.

કર્ણાટક હાઈકોર્ટે 23 જૂનના પોતાના આદેશમાં ઓઈલ કંપનીઓ- BPCL, HPCL અને ઇન્ડિયન ઓઈલ (IOC) ને ટેન્ડર પ્રક્રિયાને આખરી ઓપ આપતા પહેલા એથેનોલની ફાળવણી વધારવાની માંગ કરતી એક ડિસ્ટિલરીની અરજી પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, BPCL એ સુપ્રીમ કોર્ટમાં તર્ક આપ્યો હતો કે હાઈકોર્ટના આ આદેશથી પેટ્રોલમાં 20 ટકા એથેનોલ મિશ્રણ પ્રાપ્ત કરવાના સરકારના વ્યાપક રાષ્ટ્રીય નીતિગત ઉદ્દેશ્ય પર માઠી અસર પડી શકે છે. એટોર્ની જનરલે કોર્ટને જણાવ્યું કે, “સરકાર 20 ટકા એથેનોલ મિશ્રણનો પ્રયોગ કરી રહી છે અને આગામી વર્ષ સુધીમાં આપણી પાસે તેના પરિણામો આવી જશે.”

  • રાષ્ટ્રીય નીતિ પ્રભાવિત થવાનો ડર, કેસ ટ્રાન્સફર કરવાની માંગ

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે BPCL આ આદેશ સામે કર્ણાટક હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ (ખંડપીઠ) સમક્ષ કેમ ન ગઈ? જેના જવાબમાં એટોર્ની જનરલે જણાવ્યું કે, એથેનોલ સપ્લાયના કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2025 માં જ આખરી કરી દેવાયા હતા અને આવી જ અરજીઓ દેશની અન્ય હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ છે. જો અલગ-અલગ આદેશો આવશે તો તેનાથી રાષ્ટ્રીય નીતિ પ્રભાવિત થશે. તેમણે તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી માંગતા કહ્યું કે, આ મુદ્દાને આગામી ઓક્ટોબર પહેલા ઉકેલવો જરૂરી છે, કારણ કે ત્યારે એથેનોલ સપ્લાય કોન્ટ્રાક્ટના રિન્યુઅલ (નવીનીકરણ) નો સમય આવશે. જો હાઈકોર્ટની ડિવિઝન બેન્ચમાં જઈશું તો પ્રક્રિયામાં મોડું થશે.

  • વર્ષ 2030 માટે સરકારનો નવો ટાર્ગેટ શું છે?

ભારતે નિર્ધારિત સમય મર્યાદા કરતાં ૫ વર્ષ પહેલા જ ગયા વર્ષે પેટ્રોલમાં 20 ટકા એથેનોલ મિશ્રણ કરવાનો પોતાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 એપ્રિલથી સમગ્ર દેશમાં એથેનોલ-મિશ્રિત પેટ્રોલની સપ્લાય શરૂ કરી દીધી છે. હવે કેન્દ્ર સરકારે વર્ષ 2030 સુધીમાં પેટ્રોલમાં એથેનોલના મિશ્રણને વધારીને 30 ટકા (E30) કરવાનો મહત્વકાંક્ષી ટાર્ગેટ નક્કી કર્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code