ડીજીપીની નિમણૂકમાં વિલંબ નહીં ચાલે, સુપ્રીમ કોર્ટની રાજ્યોને ટકોર
નવી દિલ્હી, 13 માર્ચ 2026: પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ની નિમણૂક અંગે સુપ્રીમ કોર્ટે એક મોટો અને સ્પષ્ટ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે રાજ્યોએ ડીજીપીની નિમણૂક માટે પોતાનો અલગ કાયદો બનાવ્યો છે, તેમણે તે કાયદા મુજબ જ નિમણૂક કરવાની રહેશે. જોકે, જે રાજ્યોમાં આ અંગે કોઈ ચોક્કસ કાયદો નથી, તેમણે સુપ્રીમ કોર્ટે અગાઉ ‘પ્રકાશ સિંહ’ કેસમાં નક્કી કરેલા દિશાનિર્દેશોનું પાલન કરવાનું રહેશે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે બિહાર, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સામેની અવમાનનાની કાર્યવાહી બંધ કરી દીધી છે, કારણ કે આ રાજ્યોએ યુપીએસસીને નામો મોકલી આપ્યા છે. કોર્ટે કહ્યું કે ડીજીપીની નિમણૂક સરકાર દ્વારા જ થવી જોઈએ, કારણ કે આ પદ પર બેસનાર અધિકારી પર સરકારનો વિશ્વાસ હોવો અત્યંત આવશ્યક છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ માટે કોઈ વિશાળ પેનલની જરૂર નથી.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે પશ્ચિમ બંગાળ પર કટાક્ષ કરતા કહ્યું કે, “પશ્ચિમ બંગાળને ડીજીપીને રાજ્યસભામાં મોકલવામાં વધુ રસ હોય તેવું લાગે છે.” જોકે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે હવે રાજ્યને કાયમી ડીજીપી મળશે કારણ કે હાલમાં રાજ્યસભામાં કોઈ બેઠક ખાલી નથી.
સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશો અનુસાર, ડીજીપીને ઓછામાં ઓછા બે વર્ષનો નિશ્ચિત કાર્યકાળ મળવો જોઈએ. યુપીએસસી દ્વારા સૂચવવામાં આવેલા ત્રણ સૌથી વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની પેનલમાંથી પસંદગી કરવી જોઈએ. કોર્ટે રાજ્ય સરકારો દ્વારા લાંબા સમય સુધી ‘કાર્યકારી’ ડીજીપી રાખવાની વૃત્તિ પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટનું માનવું છે કે આનાથી વરિષ્ઠ અને લાયક આઈપીએસ અધિકારીઓને અન્યાય થાય છે.
સુપ્રીમ કોર્ટે છત્તીસગઢ અને ઝારખંડ સરકારને નોટિસ ફટકારી છે. કોર્ટે આ બંને રાજ્યો પાસે ડીજીપીની નિમણૂક અંગે બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. કોર્ટે યુપીએસસીને પણ નિર્દેશ આપ્યા છે કે જો કોઈ રાજ્ય સમયસર નિમણૂક માટે પ્રસ્તાવ મોકલવામાં વિલંબ કરે, તો તેની જાણકારી તરત જ અદાલતને આપવામાં આવે.
આ પણ વાંચોઃ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2026: ભારતના સુમિત એન્ટિલે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો


