Homerevoinewsકોવિડ 2019ની કટોકટી વખતે આયુર્વેદની વિશ્વસનીયતા પર પ્રશ્ન મૂકાવનાર ટીનોસ્પોરા ક્રિસ્પા કે...

કોવિડ 2019ની કટોકટી વખતે આયુર્વેદની વિશ્વસનીયતા પર પ્રશ્ન મૂકાવનાર ટીનોસ્પોરા ક્રિસ્પા કે ખોટી ગળો, કૂળ મેનિસ્પર્મેસી

વૈદ્ય પારુલ જોષી

ટીનોસ્પોરા ક્રિસ્પા, કૂળ મેનિસ્પર્મેસીની વેલ છે જે જાણીતી વનસ્પતિ ગળો ટીનોસ્પોરા કોર્ડિફોલીયાને ઘણી મળતી આવતી હોઈ તથા કોવિડ સમયમાં ખાસ્સી વગોવાઈ છે, ત્યારે તેને સમજવાની જરૂર જણાય.

ગુડૂચિનાં આયુર્વેદમાં બતાવેલા ગુણોમાં તે તાવ, સોજો, સાંધાનો વા, વાયુનાં – ચેતાતંતુનાં, અપચાથી થનારા રોગો અને આમવિષને દૂર કરે, રોગપ્રતિકાર શક્તિ વધારનાર હોઈ સ્વાસ્થ્યને સુરક્ષિત રાખનાર, રસાયન, વધતી ઉંમરના ફેરફારોને રોકનાર છે. તે ત્રણે દોષોનું સંતુલન જાળવે છે પણ મુખ્ય રીતે પિત્તનું શમન કરે છે. ઔષધ તરીકે તેની ડાળી વપરાય છે જે સ્વાદમાં અતિશય કડવી છે. છતાં તે બળ વધારનારી છે. એનાં અમૃત જેવા ગુણો અને કાપ્યા છતાં ફરી ઉગવાનાં સ્વભાવને લીધે તેને અમૃતા અને છિન્નરુહા પણ કહે છે. ગળો મૂળ ભારતીય વેલો હોઈ આયુર્વેદમાં અનેક નામોથી વખાણાઇ છે.

સાચા ગળોની ઓળખ

ગળોને મળતા આવતા હૃદયાકારનાં 6-12 સેમી લાંબા, 7-12 સેમી પહોળા પાનને લીધે વનસ્પતિ એકત્રિત કરનારા ભ્રમિત થાય છે. ક્રિસ્પાના પાન ઉપર તથા નીચેથી ચળકાટ ધરાવે છે. પાનની કિનાર સ્હેજ જાડી છે. પાન સૂકાતા એકદમ ટૂટી જાય છે. ટીનોસ્પોરા ક્રિસ્પાની કુમળી ડાળી લીલાશ પડતી રાખોડી છે. ડાળી ઘરડી થતાં માંસલ અને તેના ઉપર ગાંઠદાર ઉત્સેધો થાય છે, કાપતા તેમાંથી દૂધ જેવો ચીકણો પદાર્થ નીકળે છે. જ્યારે ગળોની છાલ લીલી છે અને કાપતાં એકની અંદર બીજું – અનેક વર્તુળો દેખાશે તે તેની ઓળખ છે. વેલાને 2 થી 3 નાનાં, પીળા કે લીલાશ પડતા પીળા ફૂલો આવે છે. પુંપુષ્પ પાતળા 5 થી 10 સે.મી. કે તેથી લાંબા. તેમાં બે સ્તરમાં છ લીલી ચળકતી પરાગદાંડીઓ હોય છે. બહારની પાંખડીઓ લંબગોળ હોય છે અને અંદરની અંડાકાર. સ્ત્રીપુષ્પ 2 થી 6 સે.મી. લાંબા એક ડાળી પર એક લાગેલું હોય છે. ફળ 7 થી 8 મી.મી. લાંબા થાય છે.

ખોટી, ધ્યાન ન રાખતા ઉપદ્રવકર ટીનોસ્પોરા ક્રિસ્પા
ખોટી, ધ્યાન ન રાખતા ઉપદ્રવકર ટીનોસ્પોરા ક્રિસ્પા
ક્યાં કેવી રીતે ઓળખાય છે આ છોડ?

ટીનોસ્પોરા ક્રિસ્પા પણ દક્ષિણપૂર્વ એશિયા, એશિયા અને આફ્રિકાનાં વર્ષા અને પાનખર વનોમાં સ્વયંભૂ ઉગનારો વેલો છે.

થાઈલેન્ડમાં ખેરુએ ખાઓ હો બોરફેટ નામે કહેવાય છે.

મલેશિયામાં પટવાલી, અકર પટવાલી, સેરુન્ટુમ, અકર સેરુન્ટુમ.

ઈન્ડોનેશિયામાં બ્રોટાવાલી, અન્ટાવાલી, અંદાવાલી

ફિલિપિન્સમાં મકબુહાય

ચીનમાં દા યે રૌનજન્તેંગ

કમ્બોડીયામાં બન્નાદોલ પીચ

બાંગ્લાદેશમાં ગુલોન્ચો-બાન કે ગોલોંચી

માર્ટીનેક્યુ ટાપુમાં લ્યાન્ન સ્પાન ઝેબ કાયેન્ન નામથી ઓળખાય છે.

વિવિધ દેશ, વિવિધ ઉપયોગ

થાઈલેન્ડનાં મૂળ રહેવાસીઓ તેનો ઉપયોગ કમળો, આમવાત, સાંધાનાં રોગો, પેશાબની વિવિધ સમસ્યાઓ, તાવ, ચામડી પર નીકળતા ગડ ગુમડ જેને કાર્બન્કલ, ફુરુંકલ કહે છે, તેમાં, મેલેરિયા, શરીરની અંદરનાં સોજાનાં નિવારણ માટે કરે છે. ડાળી, પાન, મૂળનો ઉકાળો, પાનને વાટી ચટણી બનાવવી, તે વાઈપર સાપ કરડ્યાનું ઝેર, ટૂટેલાં હાડકાં સાંધે છે. તરસ ઘટાડે, ભૂખ વધારે, તાવ, કોલેરા, ડાયાબીટીસ, રુમેટીઝમ, આંતરડાનાં કૃમિ, વિવિધ પ્રકારનાં અલ્સરોમાં, ઉકાળાથી સ્કેબીઝ – ખસ, ઉઠેલી આંખ સ્વચ્છ થાય, સીફીલીસનાં ઘા ભરાય, ઘામાં ખંજવાળ મટે છે. થાઈ પરંપરાગત સ્વાસ્થ્ય પદ્ધતિમાં ડાળીનાં ટુકડાંને છુંદી તેનો ઉકાળો શરીરનું તાપમાન ઘટાડવા માટે, સ્વાસ્થ્ય સંરક્ષા માટે, બીજને ઠંડા પાણીમાં પલાળી દારુ, ડ્રગ્ઝનો નશો દૂર કરવામાં વાપરે છે.

ઈન્ડોનેશિયાની બોર્નીઓ પ્રજાતિ ઉપરનાં સિવાય બળીયાનાં તાવમાં, ડાયાબિટીસ, ઉચ્ચરક્તચાપ, દૂઝતા હરસ, કોલેરામાં, પીઠ કમરના દુઃખાવામાં વાપરે છે.

ચીનનો યાઓ કબીલો ઉપર સિવાય વાગવાથી છોલાયું હોય, શરીર પર દબાણ આવ્યું હોય તો તે સ્થળનો ઘા ધોવામાં, સેપ્ટીસેમીઆમાં ઉકાળો પાય, મચ્છર કરડવાના પ્રતિબંધ તરીકે પાનની ચટણીનો લેપ કરે છે. મનુષ્ય અને પશુઓને ત્રાસ આપતા પરોપજીવીઓને તે દૂર રાખે છે. તેમની મુરુત પ્રજાતિ સૂવાવડમાં ડાળીનો ઉકાળો પાય છે.

ફિલીપીન્સમાં માકાબુહાય પ્રજાતિ ડાળીનો રસ આંતરડાની સમસ્યાઓમાં, પક્ષાઘાત, મહાકુષ્ઠ લેપ્રસીમાં પાય છે. પાનને પાણીમાં વાટી તે પીવાથી પેટનો આફરો – ગોળો, ઝાડામાં આપે છે. કોપરેલ સાથે પાનને વાટી તેની પોલ્ટીસ તૈયાર કરી, સાંધાનાં સોજા પર લગાડે છે. તેઓ પેટનો દુઃખાવો મટાડવા, આંખ કાનની સમસ્યાઓમાં, કફ જામ્યોહોય તેમાં ઉપયોગ કરે છે. કડવા ટોનિક તરીકે ડાળીને ચાવીને લે છે.

મલયેશિયા કાદાઝાન ડુસુન જાતિમાં આખા વેલાને છુંદીને ઉકાળીને સ્વાસ્થ્ય રક્ષા માટે પીએ છે.

બાંગ્લાદેશમાં ગેરો અને બિનગેરો પરંપરાગત સ્વાસ્થ્ય રક્ષકો ઉપરનાં સિવાય ટી.બી.માં પીવડાવે છે. તાવમાં આ રસમાં શેરડીનો રસ મેળવીને પીવડાવે છે. રસને સાંધાનાં સોજા પર 7 દિવસ સુધી દિવસમાં બે વાર લગાવે છે.

ટીનોસ્પોરા ક્રિસ્પામાં આલ્કલોઈડ, ફ્લેવોવોઈડ, ફ્લેવોને ગ્લાયકોસાઈડ, ટ્રીટર્પીન, ડાઈટર્પીન ગ્લાઈકોસાઈડ્ઝ, લેક્ટોન્સ, સ્ટેરોલ્સ, લાઈગન્સ, ન્યુક્લિઓસાઈડ્ઝ જેવા અનેક રસાયણો આવેલા હોઈ તેનામાં એન્ટીબાયોટીક, એન્ટીઈન્ફ્લેમેટરી, એન્ટીઓક્સીડન્ટ, ઈમ્યુનોમોડ્યુલેટરી, સાઈટોટોક્સિક, એન્ટીમેલેરિયા, એન્ટીફાઈલેરીયા, કાર્ડિયોપ્રોટેક્ટિવ, એન્ટીડાયાબેટિક સિદ્ધ કરે છે.

65 પ્રકારનાં રાસાયણિક સંયોજન

વેલાને વાટીને, ઉકાળીને જે સત્વ મળે છે તેમાં સહુથી વધારે 65 પ્રકારનાં રાસાયણિક સંયોજનો મળ્યા છે. તેમાં ફુરાનોડીટેર્પેનેસ ટીનોસ્પોરા ક્રિસ્પાની ઓળખરૂપ રસાયણ છે. અત્યાર સુધીમાં ક્રિસ્પાની ડાળીમાંથી 21 ક્વાર્ટર્નરી આલ્કલોઈડ શોધી શકાયા છે. 25–800 μg/mL પ્રમાણમાં ડાળી કે પાનને છુંદીને પાણી સાથે લેવાથી શરીરનાં કોષોની દીવાલ પાર કરવાની શક્તિ હોઈ, તે સોજો ઉતારવા, ચેતાતંતુઓની કાર્યક્ષમતા અને શરીરની રોગપ્રતિકાર શક્તિ વધારવા સાથે એન્ટીએથેરોસ્ક્લેરોસીસ એટલે વાહિનીઓમાં પ્લેક જામવા ન દે, તેનો ગુણ દર્શાવે છે. એટલે પાર્કિન્સન્સ, અલ્ઝાયમર્સ, એટેક્સીયા, માયેસ્થેનિયા ગ્રેવિસ, વૃદ્ધાવસ્થા જન્ય સ્મૃતિનાશને અટકાવે છે.

આ ઉપરાંત તેના પ્રાપ્ત રસાયણોએ એન્ટીબાયોટીક – સૂક્ષ્મ પરજીવી રોગકારકો પર અસર કરે છે – ન્યુમોનિયા, ડિપ્થેરિયા, કોલેરા, ટાઈફોઈડ, ઈ. કોલાઈ, પેમ્ફીગસ વલ્ગેરિસ, મેથીસીલીનને મચક ન આપનારા સ્ટેફિલોકોકસ, સૂકી ડાળીને પાણીમાં ઉકાળી પીવાથી એન્ટીફાઈલેરિયા – હાથીપગા વિરોધી ક્રિયા મળી જે વિટામિન સી કે બુટાઈલાટેડ હાઈડ્રોક્ઝી ટોલ્યુઈન – બીએચટી સમકક્ષ છે. ક્લોરોક્વિન અસર કરે તેવા પ્લાઝમોડીયમ ફાલ્સિપેરમ પર તે અસર કરે છે. તેની શરીરનાં વિવિધ કેન્સરકોષો – સ્તનનું એડીનોકાર્સિનોમા, પ્રોમાયેલોસાઈટિક લ્યુકેમિઆ, નિઓપ્લાસ્ટ ઉપર સીસ્પ્લાટિન, ટેમોક્સિફેન અને ડોક્સોરુબીસીન કે ગુડૂચી જેવી ઘાતક અસર જાણીતી છે. ટાઈપ 2 ડાયાબીટીસમાં સૂકી ડાળીનું ચૂર્ણ 250 મિલીગ્રામ પ્રમાણમાં દિવસમાં બે વાર પાણી સાથે ચરી પાળવા સાથે નિષ્ણાતની દેખરેખ હેઠળ જ લેવાનું છે.

અહિં આપેલી માહિતી સંશોધન આધારિત જરૂર છે પણ વનસ્પતિ ક્યાંથી, કઈ સ્થિતિમાં એકત્રિત કરાઈ અને આપે ક્યારે કેટલા પ્રમાણમાં શેની સાથે લીધી, તે ઉપર અસરનો આધાર રહેલો હોઈ જાતે પ્રયોગો ન કરવાની સ્પષ્ટ સલાહ છે.

ઉપયોગ અને ઉપચાર

4 ગ્રામ દર કિલો શરીર વજનથી ડાળીનો રસ, પાણીમાં બનાવેલો ઉકાળો કે ગોળીઓનું દરરોજનું વધારે માત્રામાં અને લાંબો સમય સેવનનું દુષ્પરિણામ આલ્કલાઈન ફોસ્ફેટેઝ, અલેનીન અમીનોટ્રાન્સ્ફરેઝ, ક્રિયેટિનિન સ્તરો વધવાથી યકૃતમાં ગંભીર વિષાક્તતા – હિપેટોટોક્સિસીટી અને ઝેરી યકૃત્શોથ ટોક્સિક હિપેટાઈટીસ કરે છે. હિસ્ટોપેથોલોજી તપાસમાં અત્યધિક પ્રમાણમાં પિત્તવાહિનીમાં અને યકૃતકોષોમાં વૃદ્ધિયુક્ત સોજો આવેલો મળ્યો. વ્યાધિતને કમળો, ઘેરારંગનો પેશાબ, ફિક્કા સંડાસ, લિવરએન્ઝાઈમ અતિવધેલા પ્રાપ્ત થયા છે. રોગીને ક્રિસ્ટાનું સેવન સદંતર બંધ રખાવતાં યાકૃતિ અને અન્ય વિકૃતિઓ બે મહિનામાં જાતે દૂર થઈ.

તે રક્તશર્કરા, રક્તચાપ ઘટાડનાર છે. એટલે કોઈ પણ શસ્ત્રકર્મથી ઓછામાં ઓછું 15 દિવસ પહેલાં આપવાનું બંધ કરવું.

ઓછી માત્રા એટલે દિવસનાં 3 ગ્રામ પ્રમાણમાં સેવન કરવાથી તે પેટમાં ચુંથારો, ઝાડા, ભૂખ ન લાગવી, માથાનો દુઃખાવો, ચક્કર આવવા જેવા લક્ષણો થવાને લીધે સગર્ભા અને ધાત્રીમાતાને ન આપવું.

આયુર્વેદમાં વૈદ્ય જાતે વનસ્પતિને ઓળખી, જાત દેખરેખમાં, વ્યક્તિની જરૂર પ્રમાણે, જરૂર જેટલી ઔષધ બનાવે, તો વનસ્પતિનું સંરક્ષણ થવા સાથે આવી વનસ્પતિ રોગીના સ્વાસ્થ્ય સાથે રમત ન કરી શકે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular