
સુરતમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત, કારના પતરા કાપીને ઘવાયેલાઓને બહાર કઢાયા
સુરતઃ શહેરના નવા રિંગ રોડ પર સરથાણા વિસ્તારમાં આવેલા ખડસદ નજીક પૂર ઝડપે આવેલી બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેયો હતો. અકસ્માતના બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. દરમિયાન આ અકસ્માતના બનાવની જાણ પોલીસને કરાયા બાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી કારના પતરા કાપીને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. હાલ સમગ્ર અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, સુરતમાં નવો રિંગ રોડ બની રહ્યો છે, જેમાં સરથાણા ખડસદ રોડ પર, ચાર રસ્તા પર બે લક્ઝુરિયસ કાર ધડાકાભેર અથડાઈ હતી. અર્ટિગા કાર અને હેરિયર કાર ધડાકાભેર અથડાતાં બન્નેમાં કારમાં સવાર પ્રવાસીઓને ભારે ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. એમાંથી બે વ્યક્તિનાં ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યાં હતા. અકસ્માતના બનાવ અંગે જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં, જેમણે 108 એમ્બ્યુલન્સ મારફત લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. બાદમાં ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, જેથી ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને પતરાં કાપીને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. લક્ઝુરિયસ ગણાતી બન્ને કારની સ્પીડ વધુ હોવાથી ધડાકાભેર અથડાયા બાદ એમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી. કારનો કડૂસલો વળી ગયો હતો. બન્ને કારનાં પતરાં કાપવાની ફરજ પડી હતી.