અમદાવાદ, 16 જુન, 2026 : 3 accused arrested in robbery case after taking couple hostage in Konth village જિલ્લાના ધોળકા તાલુકાના કોંઠ ગામમાં મઘરાત બાદ લૂંટારૂઓએ એક ઘરમાં પ્રવેશ કરીને દંપત્તીને બંધક બનાવીને મોબાઈલ ફોન સહિત કુલ ₹2,10,500ની કિંમતનો મુદ્દામાલ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ લૂંટના બનાવમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે લૂંટનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
આ લૂંટના બનાવની વિગત એવી હતી કે, ગઈ તા. 14 જૂન, 2026ના રોજ કોઠ ગામમાં લૂંટારૂઓએ એક રહેણાંક મકાનમાં ઘૂસી દંપત્તીને બંધક બનાવીને ઈજા પહોંચાડીને સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹2,10,500ની કિંમતનો મુદ્દામાલ લૂંટી લૂંટારૂ શખસો ફરાર થઈ ગયા હતા. આ અંગે કોઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી., એસ.ઓ.જી. શાખા અને કોઠ પોલીસ સ્ટેશનની ટીમોએ તપાસ શરૂ કરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ અંગે ચોક્કસ બાતમી મળતા શિહોરીપુરા ગામમાં દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ધોળકાના શિહોરીપુરા ગામના જયેન્દ્રભાઈ ઉર્ફે જયલો ભુપતભાઈ ગગુભાઈ મકવાણા, બાવળાના કેસરડી ગામના હાર્દિકભાઈ ઉર્ફે ભુપી વશરામભાઈ મકવાણા અને સાણંદના ડરણ ગામના જગમાલભાઈ ઉર્ફે ગોગો મનસુખભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા મુદ્દામાલ પૈકી ત્રણ મોબાઈલ ફોન (કિંમત ₹65,000) અને ₹3,500 રોકડા જપ્ત કર્યા છે. કુલ ₹68,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મુખ્ય આરોપી જયેન્દ્રભાઈ ઉર્ફે જયલો ભુપતભાઈ મકવાણા વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ, બાકી રહેલા મુદ્દામાલની પુનઃપ્રાપ્તિ અને સમગ્ર કાવતરાની વધુ વિગતો મેળવવા માટે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


