અમદાવાદ, 16 જુન, 2026 : Possibility of rain from June 23rd ગુજરાતમાં 15મી જુનથી મેઘરાજાનું આગમન થઈ જતું હોય છે. પણ આ વખતે હજુ મેધરાજાની વાજતે-ગાજતે પધરામણી થઈ નથી. હાલ તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. પણ અસહ્ય બફારો લોકોને અકળાવી રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. ચોમાસું હાલ સાનુકૂળ પરિસ્થિતિઓ સાથે આગળ વધી રહ્યું છે. આગામી તા. 23મી જુનથી મેઘરાજાની વાજતે-ગાજતે પધરામણી થવાની શક્યતા છે.
નૈઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધતા અટકી ગયું છે. ચોમાસાએ કેરળમાં સમયસર એન્ટ્રી કર્યા બાદ ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે, જેના કારણે ગુજરાત સહિત દેશના ૧૬ રાજ્યોમાં વરસાદ માટે હજુ વધુ રાહ જોવી પડશે. સેટેલાઇટ તસવીરોમાં પણ ચોમાસાના વાદળો ગાયબ દેખાઈ રહ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે હવામાન વિભાગ અને નિષ્ણાતોના મતે, ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત 23 જૂનથી 26 જૂન વચ્ચે થવાની સંભાવના છે. હાલમાં ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક ભાગો સુધી પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં તે આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઇ રહી છે. જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં આખા રાજ્યમાં ચોમાસું સક્રિય થઇ જશે.એવુ અનુમાન છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના લાંબા ગાળાના અંદાજ મુજબ, જુલાઈ મહિનામાં ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જુલાઈ દરમિયાન મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે, જે ખેડૂતોના ખરીફ પાક અને જળાશયો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગરમીના અસહ્ય પ્રકોપ અને હવામાં ભેજના અભાવને કારણે વરસાદ ખેંચાયો છે. અરબ સાગર હાલ સક્રિય ન થવાને કારણે ચોમાસું મુંબઈમાં અટકી ગયું છે. અલ નીનોની સૌથી ગંભીર અસર સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી શકે છે, જે ચિંતાજનક છે. વાદળોનો સમૂહ હાલ આફ્રિકા તરફ છે, જે જુલાઈ માસમાં ભારત તરફ આવવાની શક્યતા છે. જો વેપાર વાયુઓ સાથ આપશે તો જ સારો વરસાદ થશે. જો આદ્રા નક્ષત્ર બપોરે બેસે તો ઘાસ ઓછું ઉગવાની શક્યતા રહે છે. તેમના મતે, 23 જૂન બાદ જ ગુજરાતમાં સારો અને સાર્વત્રિક વરસાદ આવી શકે છે.


