Homeગુજરાતીગુજરાતઅલંગમાં ભારે પવનને લીધે શિપ સ્ટીલ સ્ટ્રકચર સાથે અથડાતા દરિયામાં ઓઈલ ઢોળાયુ

અલંગમાં ભારે પવનને લીધે શિપ સ્ટીલ સ્ટ્રકચર સાથે અથડાતા દરિયામાં ઓઈલ ઢોળાયુ

ભાવનગર, 16 જુન, 2026 : Oil spilled into the sea after ship collided with steel structure જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં લાંગરેલુ એક શિપ ભારે પવન અને દરિયાના મોજાને લીધે કિનારા પરના સ્ટીલના સ્ટ્રકચર સાથે અથડાતા શિપની ટેન્કમાંથી ઓઈલ લીકેજ થઈને દરિયામાં ઢોળાયુ હતુ.  આ બનાવની જાણ થતા જીએમબી અને જીપીસીબી સહિતની એજન્સી દ્વારા તપાસ હાથ ધરી છે. આ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની એક ટીમે સ્થળ પર જઈ દરિયા કિનારેથી સેમ્પલ લીધાં છે અને દરિયામાંથી ઓઈલ હટાવવામાં આવી રહ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં એલએનજી સોહર નામનું શિપ રિસાયકલ થવા આવ્યું છે. આ શિપ ગત શનિવારે ભારે પવન અને મોજાના કારણે પ્લોટના કિનારે સ્ટીલના સ્ટ્રક્ચર સાથે અથડાતા શિપનું ટેન્ક તુટી ગયું હતુ અને તેમાંથી ઓઈલ લીકેજ થઈ દરિયામાં ફેલાયું હતું. દરિયામાં ઓઈલ ઢોળાયાની જાણ થતા પ્લોટના સંચાલકોએ દરિયામાંથી ઓઈલ કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ મામલે ગુજરાત મેરિટાઈમ બોર્ડને અને બાદમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરવામાં આવી હતી.

અલંગના દરિયામાં ઓઈલ ઢોળાયા મામલે જીપીસીબીની એક ટીમ આજે અલંગ પહોંચી હતી અને દરિયાના પાણી અને માટીના અલગ-અલગ ૬થી ૭ જગ્યાએથી સેમ્પલ લઈ પરિક્ષણ હાથ ધર્યું હતું. જેમાં દરિયા કિનારાના ૨૦૦થી ૩૦૦ મીટરના વિસ્તારમાં છૂટી છવાઈ જગ્યાએ ઓઈલ ઢોળાયું હતું. જેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનિય છે કે, અલંગમાં અવારનવાર નાના મોટાં અકસ્માતો સર્જાય છે. થોડાં દિવસ પૂર્વે અલંગના પ્લોટ નં.૪૫માં ટેન્કર શિપના કટિંગ દરમિયાન શિપમાં આગ ભભૂકી ઉઠી હતી. જે બાદ હવે શિપમાંથી ઓઈલ લીક થઈને દરિયામાં ઢોળાતા હાલ ઓઈલ કાઢવાની કામગીરી ચાલી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular