અમદાવાદ, 16 જુન, 2026 : BRTS railing broken and crashed into car શહેરના પૂર્વ વિસ્તારમાં રબારી કોલોની ચાર રસ્તા નજીક ગત મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર BRTS કોરીડોરની લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. સ્પીડ એટલી વધારે હતી કે કાર રેલિંગ તોડીને ટ્રેકની અંદર ઘૂસી ગઈ હતી, જેના પરિણામે વાહનનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના પૂર્વ વિસ્તારમાં રબારી કોલોની નજીક ચાર રસ્તા નજીક ગત મોડી રાત્રે પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર બીઆરટીએસની લોખંડની રેલિંગ તોડીને અંદર ઘૂસી ગઈ હતી.મોડી રાત્રે બીઆરટીએસ બસો બંધ હોવાથી એક મોટી દુર્ઘટના થતાં અટકી હતી. અકસ્માત વખતે થયેલા ધડાકાનો અવાજ સાંભળીને આજુબાજુના સ્થાનિકો અને રસ્તે જતા અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં કારના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. જોકે ચાલક સુરક્ષિત રીતે બહાર આવી ગયો હતો.
આ બનાવની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટ્રાફિક જામ ના થાય તે માટે પોલીસે સૌપ્રથમ ક્રેન બોલાવીને ક્ષતિગ્રસ્ત કારને ટ્રેકમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશને મોકલી આપી હતી અને વાહનવ્યવહાર રાબેતા મુજબ કરાવ્યો હતો. હાલમાં પોલીસે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા તેમજ ગફલતભરી રીતે વાહન ચલાવવાના મામલે ગુનો દાખલ કર્યો છે. વધુમાં, અકસ્માત કેવી રીતે સર્જાયો તે જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવીને ચાલકની પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી કારચાલકને સામાન્ય ઈજા થઈ છે.


