1. Home
  2. ગુજરાતી
  3. UPSC: પાત્રતાના નિયમોમાં મોટા ફેરફાર, હવે સેવા બદલવી કે ફરી પરીક્ષા આપવી સરળ નહીં રહે
UPSC: પાત્રતાના નિયમોમાં મોટા ફેરફાર, હવે સેવા બદલવી કે ફરી પરીક્ષા આપવી સરળ નહીં રહે

UPSC: પાત્રતાના નિયમોમાં મોટા ફેરફાર, હવે સેવા બદલવી કે ફરી પરીક્ષા આપવી સરળ નહીં રહે

0
Social Share

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) દ્વારા સિવિલ સેવા પરીક્ષા (સીએસઈ) 2026 માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ વર્ષે આયોગે પાત્રતાના નિયમો અને ‘એટેમ્પ્ટ’ (પ્રયાસો) ને લઈને અત્યંત મહત્વપૂર્ણ અને કડક ફેરફારો કર્યા છે. ખાસ કરીને જે ઉમેદવારો અગાઉથી આઈએએસ, આઈપીએસ કે આઈએફએસ જેવી સેવાઓમાં નિયુક્ત છે, તેમના માટે ફરીથી પરીક્ષા આપવાના અને સર્વિસ બદલવાના નિયમો વધુ સ્પષ્ટ અને સખત બનાવવામાં આવ્યા છે.

યુપીએસસી આ પરીક્ષા દ્વારા આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અને આઈઆરએસ સહિતની ગ્રુપ-એ અને ગ્રુપ-બી સેવાઓ માટે કુલ 933 જગ્યાઓ પર ભરતી કરશે. ઈચ્છુક ઉમેદવારો યુપીએસસીનીની સત્તાવાર વેબસાઇટ પર જઈને 24 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

નવા નિયમો મુજબ, જે ઉમેદવારો અગાઉની પરીક્ષાના આધારે પહેલેથી જ આઈએએસ અથવા આઈએફએસમાં નિયુક્ત થઈ ચૂક્યા છે અને સેવામાં કાર્યરત છે, તેઓ સીએસઈ 2026માં ભાગ લઈ શકશે નહીં. આ ઉપરાંત જો કોઈ ઉમેદવાર પ્રિલિમ્સ પાસ કર્યા પછી પણ મુખ્ય પરીક્ષા (મેઈન્સ) પહેલા આઈએએસ/આઈએફએસ તરીકે નિયુક્ત થાય છે, તો તે મેઈન્સ પરીક્ષા આપી શકશે નહીં.

મેઈન્સ પછી અને ફાઈનલ રિઝલ્ટ પહેલા જો નિયુક્તિ થાય, તો તેને નવી પરીક્ષાના આધારે નવું સેવા ફાળવણી મળશે નહીં. આ વખતે આઈપીએસ કેડર માટેના નિયમોમાં વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે. જે ઉમેદવારો હાલમાં આઈપીએસ તરીકે કાર્યરત છે, તેઓ જો સીએસઈ 2026 આપે છે, તો તેમને ફરીથી આઈપીએસ કેડર ફાળવવામાં આવશે નહીં. એટલે કે, તેઓ ફરીથી એ જ સેવામાં આવવા માટે પાત્ર રહેશે નહીં.

જો કોઈ ઉમેદવાર સીએસઈ 2026 દ્વારા આઈપીએસ કે અન્ય ગ્રુપ-એ સેવા મેળવે છે અને ફરી 2027માં પરીક્ષા આપવા માંગે છે, તો તેણે સંબંધિત વિભાગ પાસેથી તાલીમમાં છૂટ લેવી પડશે. મંજૂરી વિના તાલીમ છોડનારની સેવા ફાળવણી રદ થઈ શકે છે. સીએસઈ 2025 કે તે પહેલા પસંદ થયેલા ઉમેદવારોને એક વિશેષ તક અપાઈ છે. તેઓ રાજીનામું આપ્યા વગર 2026 કે 2027ની પરીક્ષા આપી શકશે. પરંતુ 2028 કે ત્યારપછીની પરીક્ષા આપવા માટે સેવામાંથી રાજીનામું આપવું ફરજિયાત રહેશે.

યુપીએસસીના આ કડક વલણનો મુખ્ય હેતુ સેવા બદલવાની પ્રક્રિયાને વ્યવસ્થિત બનાવવાનો અને એટેમ્પ્ટનો દુરુપયોગ રોકવાનો છે. આ ફેરફારોથી નવા ઉમેદવારોને વધુ તક મળશે અને જેઓ પહેલેથી ઉચ્ચ પદો પર છે તેમની વારંવારની પરીક્ષા આપવાની વૃત્તિ પર રોક લાગશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code