હેમંત પરમાર દ્વારા
ધર્મના નામે સમાજસેવા અને ભક્તિના બહાને અઢળક સંપત્તિ એકઠી કરવાનો ખેલ નવો નથી. પરંતુ જ્યારે ભગવા વસ્ત્રો ધારણ કરનારા કથિત સંતો પર જ સોના-ચાંદી અને રોકડની ઉચાપતના ગંભીર આક્ષેપો થાય, ત્યારે સમગ્ર ધાર્મિક જગત અને આસ્થા ધરાવતી જનતા આશ્ચર્યમાં મુકાઈ જાય તે સ્વાભાવિક છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણની આસપાસ ચાલી રહેલા વિવાદો વચ્ચે હવે વધુ એક મોટો આંચકો આપનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. રામ મંદિરના ચોરી પ્રકરણની આડમાં હવે સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત “રામાલય ટ્રસ્ટ” ના સોના અને ધનનો ગંભીર મામલો ગરમાયો છે. આ આખા પ્રકરણના કેન્દ્રમાં છે અવિમુક્તેશ્વરાનંદ, જેઓ આજકાલ પોતાની રાજકીય આકાંક્ષાઓ અને અખિલેશ યાદવ સાથેની નિકટતાને કારણે ચર્ચામાં છે અને લોકો તેમને “સપાચાર્ય” તરીકે પણ સંબોધી રહ્યા છે.
આ પણ વાંચોઃ જીએસટીના ૯ વર્ષ, ચેકપોસ્ટના જંગલથી ડિજિટલ ભારત સુધીની સફરઃ વેપાર વધ્યો કે વાંધા ઘટ્યા?
અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, જો ઉત્તર પ્રદેશ સરકાર અને કાનૂની એજન્સીઓ સંજય સિંહના વર્ષ ૨૦૨૦ના જમીન સોદાની ગેરરીતિના આરોપોની તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી શકે છે, તો પછી રામાલય ટ્રસ્ટના નામે ઉઘરાવવામાં આવેલા કરોડો રૂપિયા અને સોનાની તપાસ કેમ ન થઈ શકે? શું ધર્મના નામે ઉઘરાવાયેલા નાણાંની જવાબદારી કોઈની નથી? જો ખરેખર આ મામલાની ઊંડી તપાસ થાય, તો ચોક્કસપણે અવિમુક્તેશ્વરાનંદ કાયદાકીય કૂંડાળામાં ફસાઈ શકે તેમ છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત સ્વરૂપાનંદ સરસ્વતીના શિષ્ય સ્વામી ગોવિંદાનંદ સરસ્વતીના સનસનાટીપૂર્ણ આરોપોથી થઈ છે. ગોવિંદાનંદે ખુલ્લેઆમ આરોપ લગાવ્યો છે કે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રીતે અયોધ્યા રામ મંદિર માટેના ટ્રસ્ટની સ્થાપના કરી દેવામાં આવી હતી, તે પછી પણ અવિમુક્તેશ્વરાનંદે રામાલય ટ્રસ્ટના નામે દેશના ૧૦૦૦થી વધુ ગામોમાંથી ગેરકાયદેસર રીતે સોનું, હીરા અને પુષ્કળ રોકડ એકઠી કરી હતી.
આ પણ વાંચોઃ એર ફોર્સ સ્ટેશન વડોદરા દ્વારા ઇન્ડસ્ટ્રી આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરાયું
યાદ કરો વર્ષ ૨૦૨૦નો એ સમય, જ્યારે સરકાર દ્વારા ગઠિત સત્તાવાર ટ્રસ્ટની સ્થાપના થઈ ચૂકી હતી. તે જ ગાળામાં રામાલય ટ્રસ્ટ દ્વારા અત્યંત ધામધૂમથી “સ્વર્ણ સંગ્રહ સપર્યા” નામનું એક દેશવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડે-ગામડે ફરીને ભક્તો પાસેથી ૧૦૦૮ કિલોગ્રામ સોનું એકત્રિત કરવાનો હતો. આ સોનું એકત્ર કરવા પાછળનો આશય એવો બતાવવામાં આવ્યો હતો કે તેનાથી અયોધ્યામાં એક અસ્થાયી “બાલ મંદિર અને સ્વર્ણ મંદિર” બનાવવામાં આવશે.
પરંતુ આજે વર્ષો વીતી જવા છતાં, ન તો કોઈ અસ્થાયી બાલ મંદિર બન્યું છે અને ન તો કોઈ સ્વર્ણ મંદિર જોવા મળી રહ્યું છે. તો પછી સવાલ એ થાય છે કે ભક્તો પાસેથી એકત્રિત કરવામાં આવેલું ૧૦૦૮ કિલો સોનું, કિંમતી હીરા અને અઢળક રોકડ ક્યાં અદ્રશ્ય થઈ ગયા? શું આ નાણાં હવામાં ગાયબ થઈ ગયા કે પછી કોઈના અંગત વૈભવ પાછળ વપરાઈ ગયા? આ સવાલોનો જવાબ અવિમુક્તેશ્વરાનંદે આપવો જ પડશે.
જ્યારે સ્વામી ગોવિંદાનંદે રામાલય ટ્રસ્ટ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પૈસા અને સોનાની ઉચાપત અંગે એસઆઇટી તપાસની માંગણી કરી, ત્યારે અવિમુક્તેશ્વરાનંદે કોઈ નક્કર ખુલાસો આપવાને બદલે હંમેશની જેમ પલાયનવાદી વલણ અપનાવ્યું. તેઓ આ આરોપોને સદંતર નકારી કાઢીને એવું કહી રહ્યા છે કે રામ મંદિર ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજની એ જવાબદારી છે કે તેઓ મંદિરને મળેલા દાનની વિગતો આપે.
અહીં અવિમુક્તેશ્વરાનંદની ચાલાકી સ્પષ્ટ દેખાઈ આવે છે. ગોવિંદાનંદ વાત કરી રહ્યા છે રામાલય ટ્રસ્ટ દ્વારા ઉઘરાવાયેલા ફંડની, અને અવિમુક્તેશ્વરાનંદ વાત વાળી રહ્યા છે સત્તાવાર રામ મંદિર ટ્રસ્ટને મળેલા દાન તરફ. ગોવિંદદેવ ગિરી મહારાજ તો ત્યારે જવાબદાર ગણાય ને જ્યારે અવિમુક્તેશ્વરાનંદના રામાલય ટ્રસ્ટે એકત્રિત કરેલું સોનું અને નાણું સત્તાવાર રામ મંદિર ટ્રસ્ટને સોંપ્યું હોય. જો તમે તે કિંમતી દાન રામ મંદિરના મુખ્ય ટ્રસ્ટને સોંપ્યું જ નથી, તો તેનો હિસાબ ગોવિંદગિરી મહારાજ કેવી રીતે આપી શકે? શું આ જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ નથી?
આ પણ વાંચોઃ સરહદ પારના સોનાની દાણચોરીના સિન્ડિકેટનો પર્દાફાશ, 15 કિલો સોના સાથે ચારની ધરપકડ
હવે એ વાત પણ સ્પષ્ટ થતી જાય છે કે અવિમુક્તેશ્વરાનંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર શા માટે આટલા ગુસ્સે ભરાયેલા રહે છે અને અવારનવાર તેમના પર આકરા શાબ્દિક પ્રહારો કરે છે. કદાચ તેમને અગાઉથી જ આભાસ થઈ ગયો હતો કે યોગી આદિત્યનાથની સરકારને તેમના ટ્રસ્ટની આ ગંભીર નાણાકીય ગેરરીતિઓની જાણ થઈ ગઈ છે. પોતાના બચાવ માટે જ કદાચ તેમની નિકટતા અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટી સાથે સતત વધી રહી છે. રાજકીય વર્તુળોમાં તો એવી પણ શંકાઓ સેવાઈ રહી છે કે તેઓ પોતાના રામાલય ટ્રસ્ટના નામે એકત્રિત કરેલા પૈસા આગામી ચૂંટણીઓ માટે અખિલેશ યાદવની પાર્ટીને ફંડ સ્વરૂપે આપી રહ્યા છે.
કુલ મળીને, સત્ય ક્યારેય લાંબો સમય છુપાતું નથી. જે રીતે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે, તે જોતાં લાગે છે કે આ વખતે અવિમુક્તેશ્વરાનંદ પણ કાયદાના લપેટામાં આવી જ જશે. જે કંઈ પણ થાય છે તે સમયસર થાય છે, અને જ્યારે તપાસ એજન્સીઓ આ સોના અને ધનનો સાચો હિસાબ માંગશે, ત્યારે આ કહેવાતા પ્રખર વિરોધીઓના ચારેય ખાના ચિત્ત થઈ જશે. હવે જોવાનું એ રહેશે કે ભક્તોની આસ્થા સાથે રમાયેલા આ ખેલનો અસલી ચહેરો ક્યારે દેશ સમક્ષ આવે છે.

