નવી દિલ્હીઃ એશિયા કપ 2023ના આયોજનને લઈને છેલ્લા કેટલાક સમયથી મામલો ગુંચવાયેલો છે. એશિયા કપ 2023નું પાકિસ્તાનમાં આયોજન થવાનું છે પરંતુ સુરક્ષાના કારણે બીસીસીઆઈએ ટીમ ઈન્ડીયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કર્યો છે. જેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ વર્લ્ડકપ 2023 રમવા માટે ટીમને ભારત મોકલવાનો ઈન્કાર કર્યો હતો. જેથી મામલો ગુંચવાયો છે. દરમિયાન આઈસીસી એટલે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ પીસીબીને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું છે કે, પાકિસ્તાન વર્લ્ડકપ રમશે કે કેમ ?હવે પીસીબીના જવાબ અને આઈસીસીના નિર્ણય ઉપર ક્રિકેટ પ્રેમીઓની નજર મંડાયેલી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આઈસીસીના અધ્યક્ષ ગ્રેડ બાર્કલે અને સીઈઓ જ્યોફ એલાર્ડિસ લાહોર પહોંચ્યાં છે. ઓક્ટોબર-નવેમ્બરમાં આયોજીત ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાનની ભાગીદારીને સુનિશ્ચિત કરવા માટે આઈસીબીના હોદ્દેદારો પાકિસ્તાન પહોંચ્યાં છે. તેમજ પીસીબીને કહ્યું છે કે, વન-ડે વિશ્વકપમાં પાકિસ્તાનની ટીમ રમશે કે કેમ? ICCના પદાધિકારીઓ પીસીબી અને બીસીસીઆઈ વચ્ચે ગુંચવાયેલા મામલાના ઉકેલ માટે તથા એશિયા કપ અને ક્રિકેટ વર્લ્ડકપ સંબંધિત મામલાના ઉકેલ માટે પ્રયાસો કરશે.
આગામી દિવસોમાં પાકિસ્તાનમાં એશિયાકપ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ સુરક્ષાના કારણોસર ભારતીય ટીમે પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યો છે. જેથી પાકિસ્તાને હાઈબ્રિટ મોડલ રજુ કર્યું હતું. જો કે, હવે ભારત ઉપર બાંગ્લાદેશ અને શ્રીલંકા ટીમે પણ હાઈબ્રિડ મોડલનો વિરોધ કર્યો છે. જેથી એશિયાકપ હવે પાકિસ્તાનની બહાર રમાડવાની ચર્ચા ચાલી રહી છે. આ માટે આગામી દિવસોમાં શ્રીલંકા ક્રિકેટ કાઉન્સિલ એશિયા કપ શ્રીલંકામાં રમાડવા પ્રસ્તાવ રજુ કરશે.