ગુંડાગીરી અને મારામારીના કેસમાં યુસુફ પઠાણના સસરા અને સાળાની ધરપકડ
મુંબઈ, 21 એપ્રિલ, 2026 – ગુંડાગીરી અને મારામારીના કેસમાં ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણના સસરા અને સાળાની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈના ભાયખલ્લા વિસ્તારમાં પઠાણના સસરા, સાળા તથા અન્ય લોકોએ મળીને એક વ્યક્તિ સાથે સાવ નજીવી બાબતમાં મારામારી કરી હતી.
મીડિયા અહેવાલ અનુસાર, મુંબઈમાં પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ યુસુફ પઠાનના સસરા, તેમના પુત્ર અને અન્ય એક સંબંધીની પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પહેલા શહેરના ભાયખલા વિસ્તારમાંથી આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમના પર એક વ્યક્તિ અને તેના પરિવાર પર હુમલો કરવાનો આરોપ છે.
ખાડાનું પાણી ઉડવા જેવી નજીવી બાબત
અહેવાલ અનુસાર એક વ્યક્તિ પોતાની કાર લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન કારનું એક પૈડું પાણીથી ભરેલા ખાડામાં પડવાને કારણે યુસુફના સસરા-સાળા ઉપર પાણી ઉડ્યું હતું. આ બાબતે વિવાદ વધ્યો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો. ઘટના બાદ ભાયખલા પોલીસ સ્ટેશને કાર ચાલક સાથે મારામારી કરનાર ત્રણ લોકોની ધરપકડ કરી છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ફરાર છે.
પોલીસે CCTV ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને મળી આવેલા હથિયારો (વાંસની લાકડીઓ અને બેઝબોલ બેટ) ના આધારે આ મામલે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત પોલીસે કોર્ટને જણાવ્યું કે CCTV ફૂટેજ અને સાક્ષીઓ દ્વારા આરોપીઓની સ્પષ્ટપણે ઓળખ કરી લેવામાં આવી છે.


