1. Home
  2. ગુજરાતી
  3. ગઠબંધન સરકાર બનશે, તો ભારતના વિકાસ પર લાગશે બ્રેક: રઘુરામ રાજન
ગઠબંધન સરકાર બનશે, તો ભારતના વિકાસ પર લાગશે બ્રેક: રઘુરામ રાજન

ગઠબંધન સરકાર બનશે, તો ભારતના વિકાસ પર લાગશે બ્રેક: રઘુરામ રાજન

0

દેશમાં ચૂંટણીના માહોલની વચ્ચે આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી બાદ બનનારી સરકારને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. એક મીડિયા જૂથ સાથેની ખાસ વાતચીતમાં રઘુરામ રાજને આશંકા વ્યક્ત કરી છે કે જો 2019ની લોકસભાની ચૂંટણી બાદ દેશમાં ગઠબંધન સરકાર બનશે, તો અર્થવ્યવસ્થાની ઝડપ ધીમી પડવાની શક્યતા છે. રઘુરામ રાજનનો દાવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીપ્પણીની નજીક છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે દેશને મજબૂર નહીં, પણ મજબૂત સરકારની જરૂરત છે.

સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન મીડિયા જૂથની સાથેની ખાસ વાતચીતમાં આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જીએસટી અને નોટબંધીને લઈને ભારતની કેન્દ્રીય બેન્કની સ્વતંત્રતા પર પણ વિચાર વ્યક્ત કર્યા હતા. આ વાતચીત દરમિયાન તેમણે ભારતીય અર્થવ્યવસ્થાના પડકારો પર અભિપ્રાય આપતા કહ્યુ છે કે દેશમાં ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ બનાવવાની જરૂરત છે. તેની સાથે જ તેમણે દેશમાં નવી બનનારી સરકારને લઈને પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.

તેમણે કહ્યુ હતુ કે જો 2019ની ચૂંટણીના પરિણામો બાદ ભારતમાં ગઠબંધન સરકાર બનશે, તો ઈકોનોમીની ઝડપ ધીમી પડવાની શક્યતા છે. તેની સાથે જ તેમણે કોંગ્રેસની સરકાર બનવાની સ્થિતિમાં પોતાના નાણાં પ્રધાન બનવાની ચર્ચાઓને પણ રદિયો આપ્યો છે. રઘુરામ રાજને કહ્યુ છે કે તેઓ કોઈ રાજકારણી નથી. આવી ચર્ચાઓ માત્ર અટકળબાજી છે.

ગઠબંધન સરકારને લઈને રઘુરામ રાજનનું નિવેદન ઘણું મહત્વપૂર્ણ છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે મોદી સરકારને સત્તામાંથી હટાવવા માટે કોંગ્રેસ સહીતના અન્ય ભાજપ વિરોધી વિપક્ષી દળો એક મંચ પર આવીને ચૂંટણી મેદાનમાં જવાની યોજના બનાવી રહ્યા છે. તેની સાથે જ વિપક્ષી દળો તરફથી એવું પણ કહેવામાં આવે છે કે ચૂંટણીમાં ભાજપને હરાવ્યા બાદ તેઓ વાતચીત દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવારને નક્કી કરી લેશે.

એટલે કે એવી કોઈ સ્થિતિ બને છે કે દેશમાં ઘણાં પક્ષોના ટેકાવાળી સરકાર બનશે, તો તેને વડાપ્રધાન મોદી મજબૂર સરકારની સંજ્ઞા આપી રહ્યા છે. જો કે આવી સ્થિતિ એનડીએ માટે પણ પેદા થઈ શકે છે. જો ભાજપ પોતાના દમ પર સારો સ્કોર કરી શકશે નહીં, તો તેને પણ અન્ય પક્ષોની મદદથી સરકાર ચલાવવી પડે તેવી શક્યતા છે. એટલે કે કોઈપણ સ્થિતિમાં આવું થવાની શક્યતા છે.

મોદી સરકારના બે મોટા આર્થિક નિર્ણયો જીએસટી અને નોટબંધી પર પણ રઘુરામ રાજને પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે. જીએસટીને રઘુરામ રાજને સકારાત્મક પગલું ગણાવ્યું છે. બીજી તરફ  તેમણે નોટબંધી પર ખુલીને કંઈપણ જણાવ્યું નથી. પરંતુ નોટબંધીને સેટબેક એટલે કે ઝાટકો ગણાવ્યો છે.

રઘુરામ રાજનનું નિવેદન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે અત્યાર સુધી કોંગ્રેસ તેમના નામના સહારે મોદી સરકારને ઘેરતી રહી છે. તેની સાથે જ રઘુરામ રાજનના રાજીનામાના બહાને મોદી સરકાર આરબીઆઈ જેવી મોટી સંસ્થાને બરબાદ કરી રહી હોવાનો આરોપ વિપક્ષી દળો ખાસ કરીને કોંગ્રેસ દ્વારા લગાવાઈ રહ્યો છે. અર્થવ્યવસ્થાને લઈને રઘુરામ રાજનના નિવેદનોને પણ કોંગ્રેસ પોતાના હિસાબથી મોદી સરકાર વિરુદ્ધ ઉપયોગ કરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code