ગુજરાતમાં કોવિડની ફરીથી દસ્તક: વડોદરામાં યુવાનનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
વડોદરા, 31 જુલાઈ 2026: વડોદરા શહેરમાં લાંબા સમયની શાંતિ અને રાહત બાદ આખરે કોરોના વાયરસે ફરી દસ્તક દીધી છે. પૂરા 4 વર્ષના લાંબા અંતરાલ પછી શહેરમાં કોરોનાનો નવો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર અને વહીવટી અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. શહેરની પ્રખ્યાત સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં એક કોરોના સંક્રમિત દર્દી દાખલ થતાં જ હોસ્પિટલ પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા અને કોરોનાની ઝપેટમાં ચડેલા યુવક આણંદ જિલ્લાના પેટલાદ વિસ્તારનો રહેવાસી છે. આ યુવકમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળી રહ્યા હતા. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબો દ્વારા તેના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ તેને તાત્કાલિક ધોરણે વધુ અને વિશેષ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કોરોનાનો નવો કેસ કન્ફર્મ થતાની સાથે જ એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. હોસ્પિટલના સ્પેશિયલ કોવિડ વોર્ડમાં આ દર્દીને દાખલ કરવામાં આવ્યો છે. હાલ દર્દીને નિષ્ણાત તબીબોની સઘન દેખરેખ હેઠળ આઇસોલેશનમાં રાખીને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.
શહેરમાં ચાર વર્ષ બાદ કોરોનાનું સંક્રમણ પુનઃ દેખા દેતા આરોગ્ય વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સંક્રમિત યુવક છેલ્લા કેટલાક દિવસોમાં કોના-કોના સંપર્કમાં આવ્યો હતો અને કયા કયા વિસ્તારોમાં ફર્યો હતો તેની હિસ્ટ્રી કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગ દ્વારા અન્ય નાગરિકોમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે તમામ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય અધિકારીઓએ નાગરિકોને પણ અનાવશ્યક ઘબરાયા વગર સાવચેતી રાખવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો છે.


