મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 7 લોકોના મૃતદેહ મળી આવ્યા
મુંબઈ, 31 જુલાઈ 2026: Four-storey building collapses મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં એક ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નારપોલીના ભંડારી કમ્પાઉન્ડમાં આવેલી ચાર માળની ‘કોહિનૂર’ ઈમારતનો એક મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આશંકા છે કે કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયેલા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.
ઇમારતને જર્જરિત જાહેર કરવામાં આવી હતી, ગ્રાઉન્ડ ફ્લોર પર કામ ચાલું હતું
ઘટના અંગે વિગતો આપતાં ભિવંડી પશ્ચિમના ધારાસભ્ય મહેશ ચોગુલેએ જણાવ્યું હતું કે, સંબંધિત ઈમારત નારપોલીના ભંડારી કમ્પાઉન્ડમાં આવેલી ‘કોહિનૂર બિલ્ડિંગ’ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઈમારતને અગાઉથી જ ‘સી-કેટેગરી’ (અત્યંત જોખમી અને જર્જરિત) જાહેર કરી હતી, જેના પગલે તેને ખાલી કરાવવામાં આવી હતી.
જોકે, ઈમારત ખાલી હોવા છતાં કેટલાક મજૂરો ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરી રહ્યા હતા. એવી આશંકા છે કે કેટલાક કામદારો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે.
NDRF એ મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધી
રાહત અને બચાવ કામગીરી દરમિયાન, NDRFની ટીમને મોટી સફળતા મળી છે. કાટમાળ નીચેથી એક મહિલાને જીવિત અને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે. સારવાર માટે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વધુ વાંચો: કૈરોમાં શાંતિ વાટાઘાટો વચ્ચે ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યો, 4નાં મોત


