ગાંધીનગર, 31 જુલાઈ 2026: ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર અત્યંત આક્રમક મિજાજ ધારણ કર્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે, જેને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્રના અહેવાલ મુજબ, આજે સવારે 06:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના સમયગાળામાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ત્રાટકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સુરતના ઉમરપાડામાં 8 ઈંચ, ખડાના વસોમાં 6.38 ઈંચ, આણંદના બોરસદમાં 6.26 ઈંચ, ખેડાના નડિયાદ અને આણંદના ખંભાતમાં છ ઈંચ અને નર્મદાના સાગબાગામાં સાડા પાંચ ઈંચ જેટલો વિસ્તાર વરસ્યો હતો. જેના પરિણામે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રાજ્યના અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા , ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ સહિત 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ પૂર જેવી સ્થિતિ સર્જાતા પ્રભાવિત વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બપોરના 12:00 વાગ્યા સુધીમાં કુલ 5,167 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ નવસારીમાં 2,082, તાપીમાં 1,245 અને સુરતમાં 1,221 લોકોનો સમાવેશ થાય છે. નર્મદા અને છોટાઉદેપુરમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે 11 સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત નાગરિકોની સુરક્ષા માટે એનડીઆરએફની 17 ટીમો અને એસડીઆરએફની 33 પ્લટુન વિવિધ સંવેદનશીલ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.
રાજ્યના જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે. કુલ 206 જળાશયોમાંથી 21 ડેમ 100 ટકા ભરાઈ જવાથી ‘હાઈ એલર્ટ’ પર છે, જ્યારે 8 ડેમ 90 ટકા થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. હવામાન વિભાગના આગામી 3 કલાકના નાઉકાસ્ટ મુજબ, અમદાવાદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ અને ભરૂચ જિલ્લાઓમાં ભારે પવન (41-61 કિમી/કલાક) સાથે ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના સાથે અતિભારે વરસાદ (>15 મિમી/કલાક) વરસી શકે છે. તંત્ર દ્વારા નાગરિકોને અત્યંત સાવચેત રહેવા અને બિનજરૂરી ઘર બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.


