1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિયાળાની મોસમમાં પણ લીલા શાકભાજીના ભાવ વધુ, જથ્થાબંધ કરતા છૂટકમાં શાકભાજી ત્રણ ગણું મોંધુ

શિયાળાની મોસમમાં પણ લીલા શાકભાજીના ભાવ વધુ, જથ્થાબંધ કરતા છૂટકમાં શાકભાજી ત્રણ ગણું મોંધુ

0
Social Share

રાજકોટ  :  શિયાળાના ખાવા-પીવાની મોસમ ગણવામાં આવે છે. શિયાળામાં લીલી શાકભાજી સસ્તા હોય છે. પરંતુ આ વખતે શાકભાજીના ભાવ પણ સામાન્ય કરતા વધુ છે. ફૂલગુલાબી ઠંડી વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓને શિયાળામાં સૌથી પહેલા ઊંધિયું હોઠે અને હૈયે હોય છે કારણ કે આ ઋતુમાં મોટે ભાગે શાકભાજી સસ્તા મળતા હોય છે. પણ આ વર્ષે તેનાથી ઉલ્ટી પરિસ્થિતિ છે. શાકભાજીના ભાવ હજુ આસમાને છે. કોઈ શાકભાજી રૂ. 60થી સસ્તુ મળતું નથી.

માર્કેટયાર્ડના સૂત્રોના કહેવા મુજબ કમોસમી વરસાદે, વાતાવરણે શાકભાજીના પાકને નુકશાન પહોંચાડયું હોવાથી નહીવત આવકને લીધે મોંઘા વેચાય રહ્યા છે.  જોકે રાજકોટની શાકભાજી યાર્ડમાં શાકભાજી વાજબી ભાવે અને સસ્તા મળતા હોવાનો ઘણા શહેરીજનોનો રાજીપો છે પણ નાના ધંધાર્થીઓ, રેકડીઘારકો જેવા નાના નાના વેપારીઓ  યાર્ડમાંથી જથ્થાબંધ શાકભાજી ખરીદીને પછી પડતર પર પોતાની મહેનત, વાહનભાડા અને નફાનો હિસ્સો ઉમેરતા હોવાથી શહેરમાં પહોંચતા શાકભાજી રૂ.20થી30 મોંઘા થઇ જાય છે. શાકભાજીમાં હજુ સૌથી મોંઘા ટમેટા  છે. રૂ.80-100માં કિલો મળતા ટમેટામાં જોઈએ તેવો સ્વાદ મળતો નથી, પણ ઘરમાં બનતા શાકભાજીને વધુ ટેસ્ટી બનાવવા મને-કમને  ગૃહિણીઓ ટમેટાંનો વપરાશ કરતી હોય છે. સામાન્ય રીતે શિયાળામાં ટમેટાં રૂ. 10-20માં મળે છે પણ આ વર્ષે હજુ ટમેટાના ભાવ આસમાને છે. એ સિવાય ગુવાર, ભીંડો અને રીંગણાના રૂ.60-80, વટાણા 50-60, વાલ રૂ.60 મરચા, ગાજર, કોબીજ અને ફ્લાવર રૂ.30-40, લીલી ડુંગળી રૂ.25-30, લીલા ચોળા અને વાલોળ પ્રતિ કિલોએ રૂ.30-40માં મળે છે.

શાકભાજીના ધંધા સાથે સંકળાયેલા નાના વેપારીઓએ જણાવ્યું હતું કે,  યાર્ડમાં આવતું શાકભાજી ચપોચપ વેચાય જાય છે. વહેલી સવારના કડકડતી ઠંડીમાં વાહનો લઈને યાર્ડે પહોચવું પડે છે ત્યારે શહેરની શેરીઓમાં શાકભાજી પહોચે છે. રોજીરોટી માટે જથ્થાબંધ શાકભાજી ખરીદીને તેમાં મજૂરી, નફો ન ચડાવીએ તો ઘર કઈ રીતે ચલાવવું?’ શાકભાજી યાર્ડના વેપારીઓએ કહ્યું કે, અત્યારે તમામ પ્રકારના શાકભાજી પૂરતા પ્રમાણમાં આવી રહ્યાં છે. કોઈ શાકભાજી પડતર રહેતા નથી. સ્થાનિક ટમેટાંની ધીમી આવક વચ્ચે બહારના રાજ્યોમાંથી આવક ચાલુ હોવાથી યાર્ડમાં પણ રૂ. 37-38માં વેચાય છે. અહીંથી લઇ જવાતા ટમેટાંના ધંધાર્થીઓ રૂ. 70-100ની રેન્જમાં દરેક વિસ્તારમાં લોકાલીટી પ્રમાણે વેચતા હોવાથી ટમેટા સહિતના શાકભાજી મોંઘા બની જાય છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code