પંજાબઃ લો કોલેજમાં યુવકે વિદ્યાર્થિનીની હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવ્યું
નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: પંજાબના તરનતારન જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉસ્મા ગામ ખાતે આવેલી લો કોલેજમાં એક માથાફરેલ યુવકે ક્લાસરૂમમાં ઘૂસીને વિદ્યાર્થિની પર અંધાધૂંધ ગોળીબાર કરી તેની હત્યા કરી નાખી હતી. આ ભયાનક કૃત્યને અંજામ આપ્યા બાદ યુવકે તે જ પિસ્તોલથી પોતાની જાતને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ લોહિયાળ ખેલને કારણે સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. એક તરફી પ્રેમમાં યુવાને યુવતીની હત્યા કરીને અંતિમ પગલુ ભર્યાનું મનાઈ રહ્યું છે.
મૃતક વિદ્યાર્થિનીની ઓળખ 20 વર્ષીય સંદીપ કૌર (રહે, નૌશહરા પન્નૂઆં) તથા આરોપી યુવકનું નામ પ્રિન્સ રાજ સિંહ (રહે. ગામ માલિયાં) હોવાનું ખૂલ્યું છે. આરોપી પણ આ જ કોલેજનો વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. જ્યારે ક્લાસરૂમમાં ગોળીઓ છૂટી ત્યારે ત્યાં હાજર અન્ય વિદ્યાર્થિનીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને તેઓ જીવ બચાવવા બહાર તરફ દોડી હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આરોપી પ્રિન્સ પિસ્તોલ લઈને સીધો ક્લાસરૂમમાં પહોંચ્યો હતો. તેણે પહેલા સંદીપ કૌરના માથામાં ગોળી મારી હતી. ત્યારબાદ અત્યંત ઠંડા કલેજે ફરીથી પિસ્તોલ લોડ કરી અને પોતાની લમણે લગાવીને ટ્રિગર દબાવી દીધું હતું. બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અને ક્લાસરૂમ લોહીથી લથબથ થઈ ગયો હતો.
આ ઘટનાએ કોલેજ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે. એક વિદ્યાર્થી પિસ્તોલ લઈને ક્લાસરૂમ સુધી કેવી રીતે પહોંચ્યો? શું કોલેજના ગેટ પર કોઈ ચેકિંગની વ્યવસ્થા નહોતી? ઘટના બાદ કોલેજ એડમિનિસ્ટ્રેશનના જવાબદાર અધિકારીઓ ગાયબ થઈ જતાં અનેક શંકા-કુશંકાઓ જન્મી રહી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આખી કોલેજને સીલ કરી દીધી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ પાછળનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા તપાસ શરૂ કરી છે.


