1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન
  4. જીવનઝરુખો.. નાનકડી ટોર્ચના અજવાળે..
જીવનઝરુખો.. નાનકડી ટોર્ચના અજવાળે..

જીવનઝરુખો.. નાનકડી ટોર્ચના અજવાળે..

0
Social Share

દૂર માર્ગ જોવા લોભ લગીર ના,

મારે એક ડગલું બસ થાય..

પ્રેમળ જ્યોતિ, તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ..

એક શિશુ પ્રથમ સ્વતંત્ર  પગલું ભરે છે પછી જીવનભર એની યાત્રા વણથંભી ચાલુ રહે છે. એક એક ડગલું ભરીને જ જીવનપથ કપાય છે.

એક મુસાફર યાત્રાએ જવા નીકળ્યો. ચાલતા ચાલતા રાત પડી ગઇ. મુસાફર પાસે એક ફાનસ હતું. સામે ઘનઘોર અંધારું હતું. તેને ચિંતા થઇ. કે આ નાનકડા ફાનસથી તો ચાર ડગલાં સુધીનો રસ્તો માંડ દેખાય છે. એનાથી આટલો લાંબો રસ્તો કેવી રીતે કાપી શકાશે? તેના મનમાં નિરાશા થઇ આવી. યાત્રા અધૂરી જ મૂકવી પડશે એવું લાગવાથી તે હતાશ થઇને ત્યાં જ બેસી ગયો.

એટલામાં એક બીજો યાત્રી ત્યાંથી નીકળ્યો. તેણે પહેલા મુસાફરને આમ નિરાશ થઇને બેસેલો જોયો. તેણે તેને પૂછયું, કેમ ભાઇ અહીં જ બેસી રહ્યા છો? આગળ નથી વધવું?

બેસેલા મુસાફરે નિરાશાથી જવાબ આપ્યો, આગળ જવું તો છે. પણ મારી પાસે આ નાનકડું ફાનસ જ છે. એનાથી તો માંડ ચાર ડગલાં જેટલું જ દેખાય છે. સામે ઘનઘોર અન્ધકાર છે. . એમાં આગળ કેવી રીતે વધી શકાય? તેથી અહીં બેસી ગયો છું. સવાર પડે  ત્યારે વાત.

આ પણ વાંચોઃ અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ક્રાંતિના પ્રણેતા વીર સાવરકરની પુણ્યતિથિ

બીજા યાત્રીએ તુરત જ કહ્યું અરે, તમારી પાસે ફાનસ તો છે. મારી પાસે તો આ ટચુકડી ટોર્ચ માત્ર છે. જેનાથી તો ફક્ત બે જ ડગલાં આગળ જોઇ શકાય છે. પણ મને જાણ છે કે મારે એકી સાથે એક જ ડગલું ભરવાનું છે. અને મને તો એકી સાથે બે ડગલા આગળનું દેખાય છે. મારી જરૂર કરતાં પણ એ વધારે છે. એનો પ્રકાશ મને આગળ ને આગળ લઇ જશે. એમ એક એક પગલું આગળ ભરતાં ભરતાં જ લાંબો રસ્તો આસાનીથી પસાર થઇ જશે.

પહેલો મુસાફર હવે ઉત્સાહથી ઊભો થઇ ગયો. અને ચાલવા માંડ્યો. હવે તેની પાસે પ્રકાશની ખોટ નહોતી.

આપણી પાસે કેટલો પ્રકાશ છે, કેટલી વસ્તુઓ છે એના પર સફળતાનો આધાર કદી હોતો નથી. આપણી ચાલવાની ઝંખના, વણથંભી, વણથાકી ગતિ, આપણી શ્રદ્ધા, વિશ્વાસ પર જ આપણી સફળતાનો મદાર હોય છે. અલબત્ત અહીં દિલની સાચી શ્રદ્ધા, લગનની વાત છે. બાકી  જે શ્રદ્ધા કાર્યમાં ન પરિણમે તો એનો કોઇ અર્થ રહેતો નથી. શ્રદ્ધાને પુરૂષાર્થનું પીઠબળ મળે ત્યારે જ શ્રદ્ધાનું પરિણામ..શ્રદ્ધાનો ચમત્કાર જોવા મળે.. ક્યાંક વાંચેલી એક વાત યાદ આવે છે.

વસંતઋતુ પૂરી થવાની તૈયારી હતી. પવન જોરદાર સૂસવાટા મારી રહ્યો હતો. ત્યારે એક ગોકળગાય ચેરીના વૃક્ષ પર ચડવાની શરૂઆત કરતી હતી. બાજુના વૃક્ષ પર બેસેલી ચકલીઓ એ જોઇને હસવા લાગી. કારણ કે અત્યારે ચેરીના વૃક્ષ પર ફળ આવવાની  મોસમ નહોતી. ચેરીના વૃક્ષ પર અત્યારે એક પણ  ફળ નહોતું. અને છતાં નાનકડી ગોકળગાય ઉપર પહોંચવાની મહેનત કરી રહી હતી. એ જોઇને ચકલીઓ તેની મૂર્ખતા પર હસવા લાગી.

એક ચકલીથી અંતે રહેવાયું નહીં.. તેણે ગોકળગાય પાસે જઇને કહ્યું, તને ખબર નથી કે અત્યારે ચેરીના વૃક્ષ પર એક પણ ચેરી નથી. છતાં તું શા માટે નકામી મહેનત કરી રહી છે?

આ પણ વાંચોઃ  જીવનઝરૂખેથી..  આપણે શું છીએ, પથ્થર ફોડા કે શિલ્પી?

ગોકળગાયે ઉપર ચડવાનો પોતાનો પ્રયાસ ચાલુ રાખતા જવાબ આપ્યો, અત્યારે વૃક્ષ પર ચેરી નથી. પરંતુ હું જ્યારે ઉપર પહોંચીશ ત્યારે  ફળ આવી ગયાં હશે. કેમ કે મને જાણ છે કે મને ઉપર ટોચ સુધી પહોંચતાં ઘણી વાર લાગવાની છે.

આપણી ઝડપ ગમે તેટલી ઓછી હોય.. આપણી શક્તિ ગમે તેટલી ઓછી હોય પરંતુ જો લગનપૂર્વક સતત પ્રયાસ ચાલુ રાખીએ તો આપણાં સપનાં જરૂર પૂરાં થઇ શકે. ગમે તે પરિસ્થિતિ હોય, અટક્યા સિવાય મંઝિલ તરફ ચાલતા રહીએ તો એક દિવસ જરૂર પહોંચીએ જ. મનમાં શ્રદ્ધા રાખીએ કે અત્યારે  મંઝિલ ભલે સામે નથી  દેખાતી. પરંતુ એક એક ડગલું આગળ  ભરતા રહીને પહોંચીશું ત્યારે મંઝિલના દર્શન અવશ્ય થશે. સપનાં આ રીતે જ પૂરાં થતા હોય છે.

શ્રી ટાગોરની બહુ જાણીતી વાતઃ

who will take up my work?

 asks the setting sun

none has an answer

in the whole silent world

an earthen lamp,

says humbly, from a corner

i will, my lord, as best as i can.

યેસ..આપણે સૂરજ બનીને વિશ્વ આખાને ન અજવાળી શકીએ તો એની ચિંતા નથી. એક ટમટમતું કોડિયું પણ પ્રકાશ આપવા સમર્થ છે.

નીલમ દોશી
નીલમ દોશી
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code