1. Home
  2. ગુજરાતી
  3. પશ્ચિમ બંગાળ ચૂંટણી: બીજા તબક્કામાં 90 ટકાથી વધારે મતદાન
પશ્ચિમ બંગાળ ચૂંટણી: બીજા તબક્કામાં 90 ટકાથી વધારે મતદાન

પશ્ચિમ બંગાળ ચૂંટણી: બીજા તબક્કામાં 90 ટકાથી વધારે મતદાન

0
Social Share

કોલકાતા, 29 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભાની બીજા તબક્કાની 142 બેઠકો પર આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કેન્દ્રીય દળોની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. લોકશાહીના આ મહાપર્વમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે પ્રથમ ચાર કલાકમાં જ અંદાજે 40 ટકા જેટલું જંગી મતદાન નોંધાયું છે. બીજા તબક્કાની આ ચૂંટણીમાં કુલ 1558 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, પૂર્વીય વર્ધમાન જિલ્લામાં મતદારોનો સૌથી વધુ ધસારો જોવા મળ્યો છે, જ્યાં સવારના ગાળામાં જ 44.50 ટકા મતદાન થયું છે. શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષાના કડક પ્રબંધો કરવામાં આવ્યા હોવા છતાં, કેટલાક વિસ્તારોમાં હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ સામે આવી છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં બપોરના એક વાગ્યા સુધીમાં 61 ટકાથી વધારે મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાના મતદાનના અંતે 90 ટકાથી વધારે જંગી મતદાન થયું છે. હવે સોમવારે 4 મે ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી લેવામાં આવી છે.

ચૂંટણી દરમિયાન છાપરા વિધાનસભા બેઠક હેઠળની હત્રા પંચાયતના બૂથ નંબર 52 પર હિંસા ભભૂકી ઉઠી હતી. ભાજપના પોલિંગ એજન્ટ મોશર્રફ મીરે ટીએમસી કાર્યકર્તાઓ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, “ત્યાં TMCના કેટલાક ગુંડાઓ છુપાયેલા હતા. જનિયાલામુલ્લા નામના ગુનેગાર અને તેના સાથીઓ પાસે બંદૂકો હતી. અચાનક 15-20 લોકો લોખંડના સળિયા અને લાકડીઓ લઈને અમારી તરફ આવ્યા અને મારા પર હુમલો કર્યો. મારા માથામાં 6 ટાંકા આવ્યા છે. હું ઈચ્છું છું કે પોલીસ તેમની ધરપકડ કરે અને મને ન્યાય મળે.”

નંદીગ્રામ અને ભવાનીપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, જ્યારે વિસ્તારમાં BNSSની કલમ 163 (જૂની કલમ 144 મુજબના પ્રતિબંધો) લાગુ છે, ત્યારે મમતા બેનર્જી આટલા બધા લોકો સાથે કેમ ફરી રહ્યા છે? તેમણે આને આચારસંહિતાનો ભંગ ગણાવ્યો હતો.

ભાજપના સ્ટાર પ્રચારક અને અભિનેતા મિથુન ચક્રવર્તીએ કાશીપુર બેલગછિયા વિધાનસભા મતવિસ્તારના બૂથ નંબર 248 પર પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ વખતે મતદાન 90 ટકાથી વધુ રહેશે. તેમણે સૂચક ટિપ્પણી કરતા કહ્યું કે, “જો આટલું ઊંચું મતદાન થશે, તો સમજી લેજો કે પરિણામોમાં શું થવાનું છે.”

આ પણ વાંચોઃ “નરેન્દ્ર” થી “ભૂપેન્દ્ર” સુધી: આ ભાજપવાળાઓને આટલી હવા શેની છે..?

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code