ઇઝરાયેલની સેનાએ એક હજાર ચોરસ કિમી જમીન પર કબ્જો કર્યો, મીડલ ઈસ્ટમાં ચિંતા
તેલ અવીવ, 19 મે 2026: 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલા બાદ ઇઝરાયેલે પોતાની સૈન્ય નીતિમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકાર હવે પહેલા કરતાં વધુ આક્રમક વ્યૂહરચના સાથે કામ કરી રહી છે. ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, છેલ્લા આશરે ત્રણ વર્ષના ગાળામાં ઇઝરાયેલે ગાઝા, લેબનાન અને સીરિયાની લગભગ ૧,০০০ ચોરસ કિલોમીટર જમીન પર પોતાનો અંકુશ મેળવી લીધો છે. આ વિસ્તાર ઇઝરાયેલની 1949ની સરહદોના આશરે 5 ટકા જેટલો થાય છે. આ આક્રમક વલણને કારણે હવે મધ્યપૂર્વ (મિડલ ઈસ્ટ)માં ‘ગ્રેટર ઇઝરાયેલ’ (બૃહદ ઇઝરાયેલ)ને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.
અહેવાલ અનુસાર, કબ્જે કરાયેલી જમીનનો સૌથી મોટો હિસ્સો દક્ષિણ લેબનાનમાં છે, જ્યાં ઇઝરાયેલી સેના સરહદથી કેટલાય કિલોમીટર અંદર સુધી પ્રવેશી ચૂકી છે. ઇઝરાયેલ આ વિસ્તારને ‘સિક્યોરિટી ઝોન’ (સુરક્ષા ક્ષેત્ર) ગણાવી રહ્યું છે. ઇઝરાયેલનું કહેવું છે કે, આનાથી હિઝબુલ્લાહને સરહદ નજીકથી હુમલા કરતા રોકી શકાશે. વડાપ્રધાન નેતન્યાહુએ ગયા મહિને જ જણાવ્યું હતું કે, દુશ્મન ઇઝરાયેલને આગના ઘેરામાં ઘેરવા માંગતો હતો, પરંતુ હવે ઇઝરાયેલે પોતાની ચારેય તરફ સુરક્ષાનું મજબૂત કવચ તૈયાર કરી લીધું છે. જ્યારે ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે સ્પષ્ટ કર્યું છે કે, સેના લિતાની નદી સુધીના વિસ્તાર પર પોતાનું નિયંત્રણ જાળવી રાખવા માંગે છે.
ઇઝરાયેલી સેના ગાઝામાંથી પીછેહઠ નહીં કરે: નેતન્યાહુ
બીજી તરફ, ગાઝામાં ઇઝરાયેલી સેના હવે અડધાથી વધુ હિસ્સા પર કબજો જમાવી ચૂકી છે અને ત્યાં એક વધારાનો બફર ઝોન પણ બનાવવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સૈન્ય કાર્યવાહીના કારણે ગાઝાની આશરે 20 લાખ જેટલી વસ્તી હવે માત્ર 40 ટકા વિસ્તારમાં જ રહેવા મજબૂર બની છે. સરહદ નજીકના કેટલાય વિસ્તારો સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે અને ગામડાં તથા શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ઇઝરાયેલી સેના ગાઝામાંથી પીછેહઠ નહીં કરે.
સીરિયામાં બશર અલ-અસદ સરકાર નબળી પડતાં જ ઇઝરાયેલે ત્યાં પણ પોતાની સૈન્ય હાજરી વધારી દીધી છે. અહેવાલો મુજબ, માઉન્ટ હર્મોનથી લઈને દક્ષિણ સીરિયા સુધીના આશરે 233 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઇઝરાયેલી સેનાએ પકડ મજબૂત કરી છે. ઇઝરાયેલી દળોએ સીરિયામાં 50 કિલોમીટર અંદર સુધી ઘૂસી છે. જો કે, ઇઝરાયેલ અને સીરિયા વચ્ચે સુરક્ષા કરાર અંગે વાટાઘાટો થઈ હતી, પરંતુ તે આગળ વધી શકી ન હતી. અહેવાલ અનુસાર સીરિયામાં ઇઝરાયેલના સૈન્ય મથકો પણ મોજૂદ છે, પરંતુ બંને દેશોમાંથી કોઈએ પણ આ લોકેશનનો ખુલાસો કર્યો નથી.
ઇઝરાયેલના કટ્ટરપંથી નેતાઓ અને અતિ-રાષ્ટ્રવાદી સંગઠનો લાંબા સમયથી દેશની સરહદો વિસ્તારવાની માંગ કરી રહ્યા છે. ઇઝરાયેલના નાણા મંત્રી બેઝલેલ સ્મોટ્રિચે લેબનાનની લિતાની નદીને ઇઝરાયેલની નવી સરહદ બનાવવાની વકીલાત કરી છે. કેટલાક સાંસદોએ તો દક્ષિણ લેબનાનના મોટા હિસ્સા પર કબજો કરીને ત્યાંથી સ્થાનિક વસ્તીને હટાવવાની પણ માંગ કરી છે. જો કે, આ દરમિયાન ઇઝરાયેલના વિદેશ મંત્રી ગિદોન સાર એવો દાવો કરી રહ્યા છે કે ઇઝરાયેલ લેબનાનમાં પ્રાદેશિક વિસ્તારની કોઈ મહત્વાકાંક્ષા ધરાવતું નથી. બીજી તરફ, આરબ દેશોને ડર છે કે ઇઝરાયેલનો આ કબજો અસ્થાયી નહીં પરંતુ કાયમી બની શકે છે. ઘણા આરબ રાજદ્વારીઓ અને અધિકારીઓનું કહેવું છે કે, ભૂતકાળમાં ઇઝરાયેલમાં જે વિચારોને અત્યંત કટ્ટરપંથી માનવામાં આવતા હતા, તે જ વિચારો હવે ધીમે-ધીમે ત્યાંની સરકારી નીતિનો મુખ્ય હિસ્સો બનતા જોવા મળી રહ્યા છે.


